ઘણાં વર્ષોથી મહેનત કરતા હતા : પાર્થિવ પટેલ

30 December, 2015 05:30 AM IST  | 

ઘણાં વર્ષોથી મહેનત કરતા હતા : પાર્થિવ પટેલ


શૈલેશ નાયક


પાર્થિવ પટેલની કૅપ્ટન્સીમાં ગુજરાતની ક્રિકેટ-ટીમ પહેલી વાર વિજય હઝારે ટ્રોફી (રણજી વન–ડે)માં ચૅમ્પિયન બનીને ગઈ કાલે અમદાવાદ પાછી ફરતાં ઍરર્પોટ પર ગુજરાતના ક્રિકેટરોનું ઢોલ-નગારાં અને ગુલાલની છોïળો ઉડાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજયી બન્યાના આનંદ સાથે પાર્થિવ પટેલે કહ્યું હતું કે ‘આવી ટુર્નામેન્ટ જીતવી એ ગૌરવ સમાન છે.

બૅન્ગલોરમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની ફાઇનલ મૅચમાં ગુજરાતે દિલ્હીની ટીમને ૧૩૯ રને હરાવીને ૧૯૯૩થી રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં પહેલી વાર ચૅમ્પિયન બનીને ઇતિહાસ સરજ્યો હતો. ગઈ કાલે ગુજરાતની ટીમ અમદાવાદ ઍરર્પોટ આવી પહોંચતાં એના સ્વાગત માટે મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો ઊમટી આવ્યા હતા. ટીમ જ્યારે ઍરર્પોટની બહાર આવી ત્યારે ઢોલ-નગારાંના તાલ સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિકેટરોના પરિવારજનો તેમ જ ચાહકોએ ટીમના સભ્યોને હાર પહેરાવી બુકે આપીને અભિનંદન આપ્યાં હતાં, તો ક્રિકેટરોના ગાલે ગુલાલ લગાવીને ગુલાલની છોળો ઉડાડીને ખુશી મનાવી હતી અને ચાહકો સાથે ગુજરાતની ટીમે ઍરર્પોટ પર ચિયરઅપ કર્યું હતું.

વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બન્યા બાદ અમદાવાદ આવી પહોંચેલી ગુજરાતની ટીમના કૅપ્ટન પાર્થિવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમારે માટે ઘણી પ્રાઉડ મૂવમેન્ટ છે. આવી ટુર્નામેન્ટ જીતવા માટે ઘણાં વર્ષોથી મહેનત કરતા આવ્યા હતા. આવી ટુર્નામેન્ટ જીતવી એ ગૌરવ સમાન છે.’