વન-ડે ટાઇટલ કરતાં પણ ટેસ્ટ ચૅમ્પિયનશિપ મોટી ઉપલબ્ધિ છે : પુજારા

16 February, 2020 11:40 AM IST  |  New Delhi

વન-ડે ટાઇટલ કરતાં પણ ટેસ્ટ ચૅમ્પિયનશિપ મોટી ઉપલબ્ધિ છે : પુજારા

ચેતેશ્વર પુજારા

ન્યુ ઝીલૅન્ડ ટૂરના અંતિમ તબક્કામાં ભારત ૨૧ ફેબ્રુઆરીથી ટેસ્ટ મૅચ રમશે. આ ટેસ્ટ મૅચ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે રમાશે. ટેસ્ટ મૅચના ધુઆંધાર ઇન્ડિયન પ્લેયર ચેતેશ્વર પુજારાનું કહેવું છે કે ટેસ્ટ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીતવું એ વન-ડે અને ટી૨૦ના ટાઇટલ જીતવા કરવા કરતાં મહત્ત્વની વાત છે. આ વિશે પુજારાએ કહ્યું હતું કે ‘જ્યારે તમે ટેસ્ટ ચૅમ્પિયન હો ત્યારે હું કહેવા માગીશ કે તમારે માટે એ ચૅમ્પિયનશિપ વન-ડે અને ટી૨૦ ટાઇટલ કરતાં પણ વધારે મહત્ત્વની થઈ જાય છે. તમે ભૂતકાળના કોઈ પણ મહાન પ્લેયરને અથવા તો અત્યારના કોઈ પણ પ્લેયરને પૂછી જોશો તો એ તમને એમ જ કહેશે કે આ ગેમમાં ટેસ્ટ ક્રિકેટ સૌથી વધારે ચૅલેન્જિંગ છે. તમે જ્યારે ટેસ્ટ ચૅમ્પિયન હો ત્યારે એનાથી વિશેષ કંઈ નથી હોતું.’

ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધી કુલ ૭ ટેસ્ટ મૅચ રમી છે અને આ સાતેય ટેસ્ટ મૅચ જીતીને તે ૩૬૦ પૉઇન્ટ્સ સાથે નંબર-વન પર છે. વધુમાં ચેતેશ્વરે કહ્યું હતું કે ‘મોટા ભાગે બધી ટીમ ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં સારી હોય છે, પણ વિદેશની ધરતી પર તેમણે સ્ટ્રગલ કરવી પડે છે. ઇન્ડિયન ટીમ માટે સારી વાત એ છે કે એ વિદેશી ધરતી પર ટેસ્ટ ફૉર્મેટમાં સારું પર્ફોર્મ કરી શકી છે.’

cheteshwar pujara cricket news sports news test cricket