ક્રિકેટ બોર્ડ નમતું જોખશે? શ્રીસાન્ત ને અંકિત પર મૂકેલો પ્રતિબંધ ઉઠાવી લેવા માગણી

27 July, 2015 06:44 AM IST  | 

ક્રિકેટ બોર્ડ નમતું જોખશે? શ્રીસાન્ત ને અંકિત પર મૂકેલો પ્રતિબંધ ઉઠાવી લેવા માગણી




કેરળ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ ટી. સી. મૅથ્યુએ ભારતીય ક્રિકેટ બોર્ડ સમક્ષ શ્રીસાન્ત પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાની માગણી કરી છે. મૅથ્યુઝે બોર્ડના અધ્યક્ષ જગમોહન દાલમિયા અને સચિવ અનુરાગ ઠાકુરને પત્ર લખીને પ્રતિબંધ ઉઠાવી લેવાની માગણી કરી છે. પત્રમાં લખ્યું છે કે ‘કોર્ટે શ્રીસાન્ત પરના તમામ આરોપોને હટાવી દીધા છે ત્યારે ક્રિકેટ બોર્ડે પણ તેના પર મૂકેલો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. જો આ માગણી સ્વીકારી લેવામાં આવે તો શ્રીસાન્ત ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે.’

મુંબઈ ક્રિકેટ અસોસિએશને પણ અંકિત ચવાણ પરનો પ્રતિબંધ હટાવી લેવાની માગણી કરી છે. બીજી તરફ ક્રિકેટ બોર્ડના સેક્રેટરી અનુરાગ ઠાકુરે સ્પષ્ટ કર્યું છે કે ‘પ્રતિબંધ હટાવવામાં નહીં આવે. કોર્ટે જે ત્રણ ખેલાડીઓને દોષમુક્ત જાહેર કર્યા છે એનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ ત્રણેય ખેલાડીઓ વિરુદ્ધ બોર્ડે શિસ્તભંગની કાર્યવાહી કરી છે એ યથાવત્ રહેશે.

ઘરે પાછા ફરેલા શ્રીસાન્તનું ભાવભીનું સ્વાગત

IPL-6 સ્પૉટ-ફિક્સિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા દોષમુક્ત જાહેર કરાયેલો ક્રિકેટર એસ. શ્રીસાન્ત ગઈ કાલે ઘરે પાછો આવતાં તેનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીસાન્તે કહ્યું હતું કે ‘જો મારો દેશના સૌથી મોસ્ટ વૉન્ટેડ ભાગેડુ આરોપી દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હોત તો હું ક્રિકેટર ન હોત. આ સમયે દુબઈ કે અન્ય કોઈ દેશમાં હોત.’

દિલ્હીની કોર્ટે શનિવારે શ્રીસાન્ત સહિત તમામ ૩૬ આરોપીઓને પુરાવાના અભાવે આ કેસમાંથી દોષમુક્ત જાહેર કર્યા હતા.

દિલ્હીથી કોચી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ આવી પહોંચેલા ભારતના આ ફાસ્ટ બોલરનું તેના પરિવારના સભ્યો, પ્રશંસકો અને સગાંવહાલાંઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. શ્રીસાન્તે કહ્યું હતું કે ‘સંકટના સમયે કેરળવાસીઓએ આપેલા સમર્થન બદલ હું હંમેશ માટે તેમનો •ણી રહીશ. હું ઘણી મહેનતથી રૂપિયા કમાયો છું. હું ખુશ છું કે મને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો. હું આજથી જ ક્રિકેટની પ્રૅક્ટિસ શરૂ કરી દઈશ. હું આશા રાખું છું કે ક્રિકેટ બોર્ડ પણ મારા પર મૂકેલા આજીવન પ્રતિબંધને હટાવી લેશે. હું ફાસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માગું છું.’

બે વર્ષ પહેલાં ૨૦૧૩માં આ પ્રકરણ બહાર આવતાં અને પોલીસકાર્યવાહી બાદ ક્રિકેટ બોર્ડે શ્રીસાન્ત પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.