ગ્રેગ ચૅપલે ટીમમાં રોપ્યાં હતાં અસંતોષનાં બીજ : લક્ષ્મણ

14 February, 2019 12:20 PM IST  | 

ગ્રેગ ચૅપલે ટીમમાં રોપ્યાં હતાં અસંતોષનાં બીજ : લક્ષ્મણ

ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન વીવીએસ લક્ષ્મણે પોતાની આત્મકથા ‘૨૮૧ ઍન્ડ બિયોન્ડ’માં ભારતના ભૂતપૂર્વ વિવાદાસ્પદ કોચ ગ્રેગ ચૅપલના વલણને લીધે ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી. લક્ષ્મણે તેની આત્મકથામાં દાવો કર્યો હતો કે ચૅપલ અડિયલ હતો અને તેને ખબર નહોતી કે આંતરરાષ્ટ્રીય ટીમને કેવી રીતે હૅન્ડલ કરવી જોઈએ. તે જ્યારે કોચ હતો ત્યારે ભારતની ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને પરસ્પર વિશ્વાસની કમી હતી.

ક્રિકેટના લેખક આર. કૌશિક સાથે મળીને લખવામાં આવેલી આ આત્મકથામાં લક્ષ્મણે લખ્યું ‘ચૅપલના અમુક મનપસંદ ખેલાડી હતા જેના પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું, જ્યારે બીજા પર જરાપણ ધ્યાન આપવામાં આવતું ન હતું. ટીમ આંખની સામે વહેંચાઈ ગઈ હતી. કોચ તરીકે તેનાં સંપૂર્ણ બે વર્ષ કડવાશથી ભરેલાં હતાં. ચેપલ ઘણી ખ્યાતિ અને સમર્થન સાથે ભારત આવ્યા હતા. તેણે ટીમની એકતાને તોડી નાખી હતી. મારી કરીઅરનો સૌથી ખરાબ સમય મેં તેના કાર્યકાળ દરમ્યાન જોયો હતો. તેને ખેલાડીઓને સારા પર્ફોર્મન્સ માટે મોટિવેટ કરતા જરાય આવડતું ન હતું. પહેલેથી મતભેદનો સામનો કરી રહેલી ટીમમાં તેણે જલદીથી અસંતોષનાં બીજ રોપ્યાં હતાં. હું હંમેશાં બૅટ્સમૅન ગ્રેગ ચૅપલનું સમ્માન કરતો રહીશ, પણ કોચ ગ્રેગ ચૅપલ વિશે આવું નહીં કહી શકું.’

૪૪ વર્ષના વીવીએસ લક્ષ્મણે તેની આત્મકથામાં તેની ક્રિકેટ-કરીઅરની વિગતવાર ચર્ચા કરી છે. નાનપણથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, IPL અને કૉમેન્ટેટર તરીકે માણેલી યાદગાર ક્ષણોને શૅર કરી છે. આ બુકમાં તેણે યાદગાર ૨૮૧ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સનો રોમાંચક અનુભવ, ડ્રેસિંગ રૂમની ઇમોશનલ ક્ષણો, દુનિયાના બેસ્ટ ખેલાડીઓ સાથે અને વિરુદ્ધ રમવાનો અનુભવ, વિભિન્ન ફૉર્મેટ અને પિચ પર બૅટિંગ, કોચ જૉન રાઇટની સલાહ અને કોચ ગ્રેગ ચૅપલ સાથેના પ્રતિકૂળ સમયના અનુભવો સામેલ છે. લક્ષ્મણે ૨૦૦૧માં ઑસ્ટ્રેલિયા સામે કલકત્તા ટેસ્ટમાં યાદગાર ૨૮૧ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હ:તી.

vvs laxman cricket news