આજે ટીમ ઇન્ડિયા માટેના ચીફ સિલેક્ટરની હૉટ-સીટ પર કોણ?

27 September, 2012 05:41 AM IST  | 

આજે ટીમ ઇન્ડિયા માટેના ચીફ સિલેક્ટરની હૉટ-સીટ પર કોણ?



ક્રિકેટ બોર્ડની આજની એજીએમમાં નવી સિલેક્શન કમિટી નિયુક્ત કરવામાં આવશે. એકમાત્ર મોહિન્દર અમરનાથ સિવાય બાકીના ચારેય સિલેક્ટરોની મુદત પૂરી થઈ હોવાથી તેમના સ્થાને નવા પસંદગીકાર નીમવામાં આવશે. વિદાય લઈ રહેલા ચાર સિલેક્ટરોમાં ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્ત, નરેન્દ્ર હિરવાણી, રાજા વેન્કટ અને સુરેન્દ્ર ભાવેનો સમાવેશ છે.

નવા ચીફ સિલેક્ટર તરીકે મોહિન્દર ઉપરાંત રોજર બિન્નીનું નામ પણ બોલાય છે. જોકે તેમની જગ્યાએ નવા જ કોઈને આ હૉટ-સીટ બેસાડવામાં આવે તો નવાઈ નહીં.

ધોની વિશે મોહિન્દર-શ્રીકાન્ત ઝઘડેલા


બોર્ડ સાથે નજીકથી સંકળાયેલા એક અધિકારીએ ગઈ કાલે પીટીઆઈને કહ્યું હતું કે ‘નૉૅર્થ ઝોનમાંથી મોહિન્દરની જગ્યાએ ચેતન ચૌહાણ કે વિક્રમ રાઠોરને નીમવાની વાતો ચાલે છે. મોહિન્દરનું સિલેક્ટર તરીકેનું એક વર્ષ થોડું વિવાદાસ્પદ રહ્યું છે. ઇંગ્લૅન્ડ પછી ઑસ્ટ્રેલિયા સામે પણ ભારત ચારેય ટેસ્ટમૅચ હારી ગયું ત્યારે મોહિન્દરે કૅપ્ટનપદે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ વીરેન્દર સેહવાગને નીમવાની માગણી કરી હતી, પરંતુ શ્રીકાન્ત રાજી નહોતા એટલે બન્ને (મોહિન્દર-શ્રીકાન્ત) વચ્ચે ઝઘડો થયો હતો.

ઘાવરી, ગાયકવાડ પણ ઉમેદવાર

વેસ્ટ ઝોનના સિલેક્ટર તરીકે એબી કુરુવિલાનો ઘોડો આગળ છે, પરંતુ કરસન ઘાવરી, અંશુમાન ગાયકવાડ, નયન મોંગિયા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ વિકેટકીપર સુનીલ ચતુર્વેદીના નામ બોલાય છે. ઈસ્ટ ઝોનમાંથી દેબાશિષ મોહન્તી, દેવાંગ ગાંધી, દીપ દાસગુપ્તા, સુબ્રોટો બૅનરજી અને અરુપ ભટ્ટાચાર્યના નામ સંભળાય છે.

એજીએમ = ઍન્યુઅલ જનરલ મીટિંગ

પીટીઆઈ = પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા