ઇન્દોરમાં લાજ બચાવી શકશે ભારતીય ટીમ?

14 October, 2015 06:51 AM IST  | 

ઇન્દોરમાં લાજ બચાવી શકશે ભારતીય ટીમ?


પોતાની કરીઅરના સૌથી ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલા કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સતત હારનો સામનો કરી રહેલી ભારતીય ક્રિકેટ-ટીમ આજે સાઉથ આફ્રિકા સામે બીજી વન-ડેમાં જીત મેળવવાના ઇરાદાથી મેદાનમાં ઊતરશે. સાઉથ આફ્રિકા સામે ભારત હજી એક પણ મૅચ નથી જીતી શક્યું. પહેલી બે T20 મૅચોમાં હાર મળી છે તો કાનપુરની પહેલી વન-ડે પણ પાંચ રનથી હાર્યું છે. આજે ઇન્દોરના ધ હોલકર સ્ટેડિયમમાં બીજી ડે-નાઇટ (બપોરે દોઢ વાગ્યાથી) મૅચ રમાશે.

ધોની નથી રહ્યો મૅચ-ફિનિશર

ટીકાકારોના મતે ધોનીમાં હવે પહેલી જેવી વાત નથી રહી. તેની કૅપ્ટન્સી અને વ્યક્તિગત પ્રદર્શન પર પણ તમામની નજર છે. પહેલી વન-ડેમાં તેની પાસે વાપસીની તક હતી, પરંતુ નર્ણિાયક ઘડીએ તે કમાલ ન દેખાડી શક્યો જે અગાઉ તે દેખાડતો હતો. છેલ્લી ઓવરમાં ૧૧ રન જોઈતા હતા, પરંતુ ધોની ટીમને જિતાડી નહોતો શક્યો. T20 વર્લ્ડ કપ નજીક છે. એથી ધોની પાસે હવે વધુ સમય નથી.

અન્ય ધુરંધરો પણ નિષ્ફળ

વિરાટ કોહલી વાઇસ-કૅપ્ટન અને સ્ટાર બૅટ્સમૅન પણ છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે તે ધોનીના નેતૃત્વમાં રમવાના મૂડમાં નથી. છેલ્લી વન-ડેમાં તેણે માત્ર ૧૧ રન જ બનાવ્યા. બે T20માં તેણે માત્ર ૪૪ રન જ બનાવ્યા હતા. વિરાટ ઉપરાંત શિખર ધવન ૨૩ અને સુરેશ રૈના માત્ર ત્રણ જ રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર રોહિત શર્મા અને અજિંક્ય રહાણે જ ખરાબ પરિસ્થિતિમાં ટક્કર આપી શકે છે. ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની અને ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન પણ અનિશ્ચિત છે.

બોલિંગ પણ ચિંતાજનક

ભારતીય ટીમની બોલિંગ પણ ચિંતાજનક છે. ધોનીએ ઘણા દબાણ બાદ છેલ્લી વન-ડેમાં લેગ સ્પિનર અમિત મિશ્રાનો ટીમમાં સમાવેશ કર્યો હતો, જેણે સારી બોલિંગ કરીને બે વિકેટ લીધી હતી. જોકે બિન્નીએ આઠ ઓવરમાં ૭.૮૭ની સરેરાશથી ૬૩ રન આપ્યા તો ફાસ્ટ બોલર ભુવનેશ્વરે પણ ૧૦ ઓવરમાં ૬૭ રન આપીને કોઈ વિકેટ નહોતી લીધી.