સહાની ઈજા બાદ વિકેટકીપર ભરતના ત્રણ લાજવાબ શિકાર

28 November, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ભરતે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

કે. એસ. ભરત

આંધ્ર પ્રદેશનો વિકેટકીપર કે. એસ. ભરત (કોના શ્રીકાર ભરત) હજી સુધી એક પણ ઇન્ટરનૅશનલ મૅચ નથી રમ્યો, પણ ગઈ કાલે વૃદ્ધિમાનની ઈજાને પગલે તેને સબસ્ટિટ્યુટ તરીકે વિકેટકીપિંગ કરવાનો મોકો મળ્યો એનો તેણે સારો ફાયદો લીધો હતો. તે ફરી ક્યારે ભારતીય ટીમમાં જોવા મળશે એ નક્કી ન કહી શકાય, કારણ કે મુંબઈની બીજી ટેસ્ટથી ૩૭ વર્ષનો સહા કદાચ ફરી રમવા આવશે અને પછી તો ૨૪ વર્ષનો રિષભ પંત આરામના દિવસો પૂરા કરીને પાછો મેદાન પર ઊતરશે એટલે ભરતની ટીમમાંથી આપોઆપ બાદબાકી થઈ જશે. સહાને ગરદનમાં ઈજા થઈ છે જેને લીધે તે ગઈ કાલે ફીલ્ડિંગમાં નહોતો આવ્યો.
જોકે ગઈ કાલે ભરતે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૮૯ રન બનાવનાર ઓપનર વિલ યંગનો અશ્વિનના બૉલમાં અફલાતૂન નીચો કૅચ પકડ્યો હતો અને ટૉમ લૅથમ સાથેની તેની ૧૫૧ રનની ભાગીદારી તોડી હતી. ત્યાર પછી તેણે અક્ષર પટેલના બૉલમાં રૉસ ટેલરનો બહુ સુંદર કૅચ પકડ્યો હતો અને ૯૫ રન બનાવનાર ટૉમ લૅથમને અક્ષરના જ બૉલમાં સ્ટમ્પ-આઉટ કર્યો હતો. દોઢ ફુટ બહાર નીકળી ગયેલા લૅથમને ભરતે ધોની જેવી ચીલઝડપથી આઉટ કર્યો હતો.

75
વૃદ્ધિમાન સહા ભારતીય ક્રિકેટનાં છેલ્લાં આટલાં વર્ષમાં સૌથી મોટી વયનો વિકેટકીપર છે. તે ૩૭ વર્ષ, ૩૨ દિવસનો છે. તેણે ફરોખ એન્જિનિયર (૩૬ વર્ષ, ૩૩૮ દિવસ)નો રેકૉર્ડ તોડ્યો છે. ૧૯૪૬માં દત્તારામ હિન્દલેકર ભારત વતી રમ્યા હતા ત્યારે ૩૭ વર્ષ, ૨૩૧ દિવસના હતા.

sports news cricket news