13 August, 2025 10:30 AM IST | West Indies | Gujarati Mid-day Correspondent
હેડ કોચ ડૅરેન સૅમી સહિત ભૂતપૂર્વ ક્રિકેટર્સ ક્લાઇવ લૉઇડ, બ્રાયન લારા અને અધિકારીઓ મીટિંગમાં હાજર રહ્યા હતા.
ઑસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ ૨૭ રને ઑલઆઉટ થતાં તેમના ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ક્રિકેટર્સનાં સલાહ-સૂચન લેવાનું નક્કી કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના સ્તરને સુધારવાના પ્રયાસના ભાગ રૂપે ટ્રિનિડૅડમાં બે દિવસની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમના હેડ કોચ ડૅરેન સૅમીના કોચિંગ સ્ટાફની સાથે બ્રાયન લારા, ક્લાઇવ લૉઇડ, વિવિયન રિચર્ડ્સ જેવા ભૂતપૂર્વ પ્લેયર્સ પણ સામેલ હતા.
મીટિંગ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે ‘ઑલમોસ્ટ ૧૦૦ સુધારાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ એને જાહેર કરવાનો સમય હજી આવ્યો નથી. મીટિંગની ચર્ચામાં ICC તરફથી વધારાનું ફન્ડ, ક્રિકેટર્સને દરેક સ્તરની સુવિધાઓ, પ્રૅક્ટિસ-પિચ, સ્થાનિક ટુર્નામેન્ટની ગુણવત્તા એ મુખ્ય મુદ્દા રહ્યા હતા.’
આપણે ટીમના વર્તમાન ક્રિકેટર્સને જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે. તેમને યોગ્ય વસ્તુઓ શીખવવી પડશે અને આશા રાખવી પડશે કે આપણું ક્રિકેટ હજી યોગ્ય સ્થિતિમાં રહેશે.
- વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ક્રિકેટર ક્લાઇવ લૉઇડ
રમત, ટેક્નૉલૉજી અને વિશ્લેષણમાં વિકાસ થયો છે અને હવે આપણે પોતાને ફરીથી સ્પર્ધાત્મક બનાવવા માટે એક નવો રસ્તો શોધવો પડશે.
- વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન લારા