વાનખેડેમાં સચિનની છેલ્લી ટેસ્ટ માણવા ચાહકોનો ભારે ધસારો

22 November, 2012 02:55 AM IST  | 

વાનખેડેમાં સચિનની છેલ્લી ટેસ્ટ માણવા ચાહકોનો ભારે ધસારો



હરિત એન. જોશી


મુંબઈ, તા. ૨૨

છેલ્લા બે દાયકા દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેન્ડુલકરના માત્ર નામ પર હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આકર્ષાતાં રહ્યાં છે.

જોકે આવતી કાલે ઍલસ્ટર કુક ઍન્ડ કંપની સામે ધોનીના ધુરંધરો બીજી ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર સ્પોર્ટ્સ પર સવારે ૯.૩૦) રમવા ઊતરશે ત્યારે પ્રેક્ષકો ભાવુક થઈને માસ્ટર બ્લાસ્ટરની રમતને માણશે. વાનખેડેમાં આ કદાચ સચિનની છેલ્લી ટેસ્ટમૅચ છે. ગયા વર્ષે આ જ હોમગ્રાઉન્ડ પર તેણે વર્લ્ડ કપની જીતનું સપનું પૂરું કર્યું હતું.

૩૦ લાખની ટિકિટો વેચાઈ

મુંબઈના ક્રિકેટપ્રેમીઓ સચિનની આ ટેસ્ટમૅચ ગુમાવવા નથી માગતાં એટલે જ ઑનલાઇન ટિકિટના છેલ્લા ત્રણ દિવસના વેચાણમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશનને ૩૦ લાખ રૂપિયાનું કલેક્શન થયું છે. રવિવારના પહેલા જ દિવસે ચાર લાખ રૂપિયાની ટિકિટો વેચાઈ હતી. જોકે અસોસિએશનના વાઇસ-પ્રેસિડન્ટ વિનોદ દેશપાંડેના જણાવ્યા મુજબ બૉક્સ ઑફિસ પરની ટિકિટોના વેચાણથી અને ક્લબોને થયેલા વેચાણથી કેટલી રકમ ભેગી થઈ છે એનો છેલ્લો આંકડો હજી આવવાનો બાકી છે.

ચાહકો સચિન વિશે શું કહે છે?

મુલુંડમાં રહેતા ૨૯ વર્ષની ઉંમરના અમિત ભટ્ટે તેના ફેવરિટ પ્લેયર સચિનને વાનખેડેની ટેસ્ટમાં રમતો માણવા ઑફિસમાંથી રજા લીધી છે. તેણે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સચિનની કરીઅરની શરૂઆતમાં હું બહુ નાનો હતો અને તેની કરીઅરના પ્રારંભને નહોતો માણી શક્યો, પરંતુ હવે તેને વાનખેડેમાં કદાચ તેની છેલ્લી બની રહેનારી ટેસ્ટમાં રમતો જોવો જ છે. ૩૦ નવેમ્બરે મારા પરિવારમાં એક લગ્ન છે જેની તૈયારીઓ કરવાની હજી બાકી છે, પરંતુ આ ટેસ્ટ પણ બહુ મોટો અવસર કહેવાય.’

આશિષ ચાવલા નામના બીજા એક યુવાને કહ્યું હતું કે ‘હું પાંચેય દિવસ આ મૅચ જોઈશ અને એનું એકમાત્ર કારણ છે સચિન તેન્ડુલકર. તેને રમતો જોવાની ઇચ્છા ક્યારેય ખૂટે જ નહીં.’

ઉમેશ ઇન્જર્ડ : ડિન્ડાને પાછું તેડું

અમદાવાદની પ્રથમ ટેસ્ટની ફસ્ર્ટ ઇનિંગ્સમાં એક અને સેકન્ડમાં ત્રણ વિકેટ લેનાર પેસબોલર ઉમેશ યાદવને પીઠમાં દુખાવો થઈ રહ્યો છે જેના કારણે ગઈ કાલે તેણે પ્રૅક્ટિસ નહોતી કરી. સિલેક્ટરોએ રણજી ટ્રોફીમાં રમી રહેલા અશોક ડિન્ડાને મુંબઈ પહોંચવા કહ્યું છે. પ્રથમ ટેસ્ટ પહેલાં ઇશાન્ત શર્મા ઈજા પામતાં તેને અમદાવાદ બોલાવવામાં આવ્યો હતો. જોકે ઇલેવનમાં માત્ર ઝહીર અને ઉમેશનો સમાવેશ થતાં ડિન્ડાને રણજીમાં રમવા મોકલી દેવામાં આવ્યો હતો.