ગપ્ટિલની વન-ડેની રેકૉર્ડ ઇનિંગ્સ પણ ટેસ્ટ-ટીમમાં વાપસી માટે પર્યાપ્ત નહીં

03 March, 2017 07:48 AM IST  | 

ગપ્ટિલની વન-ડેની રેકૉર્ડ ઇનિંગ્સ પણ ટેસ્ટ-ટીમમાં વાપસી માટે પર્યાપ્ત નહીં

ન્યુ ઝીલૅન્ડના કોચ માઇક હેસને કહ્યું હતું કે ઓપનર બૅટ્સમૅન માર્ટિન ગપ્ટિલની સાઉથ આફ્રિકા સામેની ચોથી વન-ડેમાં રેકૉર્ડ ઇનિંગ્સ તેની ટેસ્ટ-ટીમમાં વાપસી માટે પર્યાપ્ત નથી. ગપ્ટિલે હૅમિલ્ટનમાં ૧૩૮ બૉલમાં નૉટઆઉટ ૧૮૦ રન બનાવ્યા હતા, જેને કારણે ન્યુ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હરાવીને પાંચ મૅચની સિરીઝ ૨-૨થી લેવલ કરી હતી. આ કોઈ પણ ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમૅનની સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત ઇનિંગ્સ હતી.

હેસને ગપ્ટિલની ઇનિંગ્સને શાનદાર ગણાવી હતી અને કહ્યું હતું કે ‘આ ૩૦ વર્ષના બૅટ્સમૅનને પહેલાં પણ ટેસ્ટમાં તક આપવામાં આવી છે, પરંતુ તે સફળ નથી રહ્યો. ગપ્ટિલને સાઉથ આફ્રિકા સામે બુધવારથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ટીમમાં પસંદ નહીં કરાય.’

હેસને રેડિયો ન્યુ ઝીલૅન્ડને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તમે બધા માર્ટિનના રેકૉર્ડને જોઈ લો અને બાદમાં નિર્ણય કરો. વિશ્વભરમાં ખેલાડીઓનાં આવાં ઘણાં ઉદાહરણો મળશે જે એક ફૉર્મેટમાં બહુ સારું પ્રદર્શન કરે છે, પરંતુ બીજામાં નથી કરી શકતા.’

ગપ્ટિલની વન-ડેમાં ઍવરેજ ૪૩.૯૮ છે, પરંતુ ટેસ્ટમાં ૨૯.૩૮ની સરેરાશથી જ રન બનાવ્યા છે. તેને ગયા વર્ષે ભારતના પ્રવાસ બાદ ટેસ્ટ-ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. કોચે કહ્યું હતું કે ગપ્ટિલે ટેસ્ટ-ટીમમાં વાપસી પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં જાતને પુરવાર કરવી પડશે.