ગ્રેગ ચૅપલનો સમાવેશ ભારતીય ટીમને હેરાન કરવાની એક ટ્રિક

19 December, 2011 05:15 AM IST  | 

ગ્રેગ ચૅપલનો સમાવેશ ભારતીય ટીમને હેરાન કરવાની એક ટ્રિક



(હરિત એન. જોશી)

મુંબઈ, તા. ૧૯

ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચૅપલની મદદ લેવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ૨૬ ડિસેમ્બરે ભારત સામેની પ્રથમ ટેસ્ટ-મૅચ શરૂ થાય એ પહેલાં માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપનીનો મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરો સામે માઇન્ડ ગેમનો જ એક ભાગ છે. ભારતીય ટીમના અમુક સિનિયર પ્લેયરો માટે ગુરુ ચૅપલનો અણગમો જાણીતો છે. આ અણગમો ચૅપલની તાજેતરમાં રિલીઝ થયેલી બુક બાદ વધુ જાહેર થયો હતો.

કાંગારૂઓ દ્વારા ચૅપલને બોલાવીને ભારતીય ટીમને હેરાન કરવાની જાળમાં ન ફસાવાની સલાહ જાણીતા સ્પોટ્ર્સ સાયકોલૉજિસ્ટ ડૉ. બી. પી. બામે આપી હતી. ડૉ. બામે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ તો ટીમ ઇન્ડિયાને હેરાન કરવા માટેની સ્પષ્ટ જણાતી એક ટ્રિક જ છે. તેઓ આ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ બધી ટ્રિકથી દૂર રહેવું અશક્ય છે, પણ આપણે ઉશ્કેરાવું ન જોઈએ. આમાં ટીમ ઇન્ડિયાની ખરી કસોટી થશે. ટીમે કોઈ પણ પ્રકારનું રીઍક્ટ ન કરવું જોઈએ અને આવું બધું માઇન્ડ પર પણ ન લેવું જોઈએ. જો આ બધાને લીધે ટીમ ફોકસ ગુમાવી બેસશે તો કાંગારૂઓ પહેલો રાઉન્ડ જીતી જશે. ઑસ્ટ્રેલિયનો વિરોધીઓનો ધ્યાનભંગ કરવા માટે જાણીતા છે.’