ધોનીનો લક્ષ્મણ વિશે ૩૬ કલાકે પ્રત્યાઘાત

20 August, 2012 05:39 AM IST  | 

ધોનીનો લક્ષ્મણ વિશે ૩૬ કલાકે પ્રત્યાઘાત

લક્ષ્મણે રિટાયરમેન્ટ લીધું એના ૩૬ કલાક પછી કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર પ્રત્યાઘાત આપ્યો હતો. માહી ડ્રેસિંગ-રૂમમાં લક્ષ્મણને લછુભાઈ કહીને બોલાવતો હતો. તેણે તેના રિટાયરમેન્ટ વિશેની કમેન્ટ્સમાં કહ્યું હતું કે ‘હું અને આખી ભારતીય ટીમ લક્ષ્મણને મિસ કરીશું. મારા જીવનમાં જે શ્રેષ્ઠ વ્યક્તિઓ આવી છે એમાં એક લક્ષ્મણ પણ છે. બૅટિંગ અને ફીલ્ડિંગમાં અમે ઘણો સમય સાથે વીતાવ્યો હતો. રમતી વખતે હંમેશાં અમારી ચર્ચા ટીમ વિશે જ થતી હતી. અમે જ્યારે પણ ડ્રેસિંગ-રૂમમાં કેક કાપીશું ત્યારે લક્ષ્મણની બહુ ખોટ વતાર્શે. અંગત રીતે કહું તો ખરેખર, હું લછુભાઈને ખૂબ મિસ કરીશ.’

લક્ષ્મણને ધોનીનો સપોર્ટ નહોતો એવું હું બોલ્યો જ નહોતો : ગાંગુલી

સૌરવ ગાંગુલીએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે વીવીએસ લક્ષ્મણને મહેન્દ્ર સિંહ ધોનીનો સપોર્ટ નહોતો મળ્યો એવા અર્થમાં મેં કોઈ કમેન્ટ કરી જ નહોતી.

લક્ષ્મણે શનિવારે નિવૃત્તિની જાહેરાત દરમ્યાન પત્રકારોને કહ્યું હતું કે ‘મેં ધોનીનો સંપર્ક કરવાનો ઘણી વાર પ્રયત્ન કર્યો હતો, પરંતુ નહોતો કરી શક્યો. તમે બધા તો જાણો છો કે તેનો સંપર્ક કરવો કેટલું અઘરું કામ છે.’

લક્ષ્મણની આ કમેન્ટ વિશે શનિવારે પૂછવામાં આવતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘જો ધોનીનો સપોર્ટ મળ્યો હોત તો અત્યારે સ્થિતિ જુદી હોત. કૅપ્ટન સાથીઓ માટે ૨૪ કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. માહી શા માટે આવું કરતો હશે એ જ મને નથી સમજાતું.’

જોકે ગઈ કાલે ગાંગુલીએ ખુલાસામાં કહ્યું હતું કે ‘મારી કમેન્ટને જુદી રીતે રજૂ કરવામાં આવી છે. હું એવું બોલ્યો હતો કે ક્રિકેટમાં કૅપ્ટન તેના સાથીઓ માટે સાતેય દિવસ અને ચોવીસે કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. લક્ષ્મણને ધોનીનો સપોર્ટ નહોતો મળ્યો એવું કહેવાનો મારો મતલબ હતો જ નહીં.’