હોટેલમાં ભારતીય ક્રિકેટરના રૂમમાં રાતભર રોકાયેલી યુવતી કોણ?

20 November, 2014 03:27 AM IST  | 

હોટેલમાં ભારતીય ક્રિકેટરના રૂમમાં રાતભર રોકાયેલી યુવતી કોણ?




બિપિન દાણી


ચાર વર્ષ પહેલાં એશિયા કપ દરમ્યાન શ્રીલંકાની દામ્બુલાની હોટેલની રૂમમાં ખેલાડીએ એક યુવતીને રાખી હોવાનો કિસ્સો મુદગલ સમિતિના રિપોર્ટમાં બહાર આવ્યો છે. જોકે આ સમગ્ર મામલે ખેલાડી એટલા માટે સુરક્ષિત છે, કારણ કે યુવતી ખેલાડીના રૂમમાં આખી રાત ‘એકલી’ રહી હતી અને બીજા દિવસે સવારે ચાર વાગ્યે રૂમ છોડીને ગઈ હતી. ત્યાં સુધી ભારતીય બૅટ્સમૅન ટીમના અન્ય ખેલાડીની રૂમમાં રાતવાસો કરવા ચાલ્યો ગયો હતો. મુદગલ સમિતિના નજીકના સૂત્રે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે આ ઘટસ્ફોટ આ ન્યુઝપેપર સમક્ષ કર્યો હતો.

ભારતીય બૅટ્સમૅનનું આ પ્રકરણ ૨૦૧૦ની સાલમાં ન્યુઝપેપર્સમાં ચમક્યા બાદ યુવતીના કુટુંબીજનો ભારે વ્યગ્ર બન્યા હતા અને પોતાની વ્યથા સમજાવવા તેઓ મુદગલ સમિતિના સભ્યોને પણ મળ્યા હોવાનું જાણવા મળે છે. સૌથી વધુ રસપ્રદ હકીકત એ છે કે આ યુવતી હાલની ભારતીય ટીમના મુંબઈના જ એક અન્ય ખેલાડી સાથે પરણે એવી શક્યતા છે. આવતા વર્ષના વર્લ્ડ કપ બાદ તેઓ પરણી જશે એમ જાણવા મળે છે.

ટીમના ખેલાડીઓના કાર્યનું સંચાલન કરતી મૅનેજમેન્ટ કંપનીની કર્મચારી એવી આ યુવતી દિવસભરનું કામ પતાવી ૨૦૧૦માં દામ્બુલાથી કોલંબો જવા રવાના થવા માગતી હતી, પરંતુ મોડી રાત્રે કોલંબો જવાને બદલે ખેલાડીએ જ તેને પોતાની રૂમમાં રાખી હતી. પોતે અન્ય ખેલાડીની રૂમમાં ચાલ્યો જશે એવી સાંત્વના આપતાં આ યુવતી ખેલાડીના રૂમમાં રહેવા તૈયાર થઈ હતી.