વિલિયમસનની ગેરહાજરીમાં કૅપ્ટન કોણ? ભુવી કે પૂરન?

19 May, 2022 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદનો સુકાની સ્વદેશ ગયો ઃ પત્ની બીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે

કેન વિલિયમસન

મંગળવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ રનથી હરાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદનો ૩૧ વર્ષનો કૅપ્ટન કેન વિલિયમસન બીજા બાળકનો પિતા બનવાનો હોવાથી આઇપીએલના બાયો-બબલમાંથી બહાર આવીને સ્વદેશ જઈ રહ્યો છે. તેની પાર્ટનર સારાએ ડિસેમ્બર ૨૦૨૦માં બાળકીને જન્મ આપ્યો હતો અને હવે થોડા જ દિવસમાં બીજા ચાઇલ્ડને જન્મ આપવાની તૈયારીમાં છે.
પૉઇન્ટ્સ ટેબલમાં છેક આઠમા નંબરે ઊતરી ગયેલી હૈદરાબાદ (પૉઇન્ટ ૧૨, રનરેટ -૦.૨૩૦)ની ટીમે હવે એક જ લીગ મૅચ રમવાની બાકી છે. પ્લે-ઑફની રેસની બહાર ફેંકાવાની તૈયારીમાં રહેલી આ ટીમની રવિવારની પંજાબ સામેની વાનખેડે ખાતેની મૅચમાં વિલિયમસનની ગેરહાજરીમાં કોણ કૅપ્ટન્સી સંભાળશે એ મોટો સવાલ છે. ભુવનેશ્વર કુમાર ભૂતકાળમાં હૈદરાબાદનું સુકાન સંભાળી ચૂક્યો છે, જ્યારે નિકોલસ પૂરન વેસ્ટ ઇન્ડીઝની ટી૨૦ ટીમનો નવો નિયુક્ત થયેલો કૅપ્ટન છે અને તે પણ હૈદરાબાદનો સુકાની બનવા માટે દાવેદાર છે.
દરમ્યાન વિલિયમસન અને સારા ૨૦૧૫માં પહેલી વાર એકમેકને મળ્યાં હતાં. ત્યારથી તેમની વચ્ચે રિલેશનશિપ છે અને તેમણે લગ્ન કરી લીધાં છે કે નહીં એ જાહેર નથી કર્યું.

sports news cricket news kane williamson