પપ્પાને જ્યાં પણ વાગ્યું છે ત્યાં હું કિસી કરીશ એટલે મટી જશે

22 January, 2021 02:43 PM IST  |  Mumbai | Mumbai Correspondent

પપ્પાને જ્યાં પણ વાગ્યું છે ત્યાં હું કિસી કરીશ એટલે મટી જશે

પપ્પાને જ્યાં પણ વાગ્યું છે ત્યાં હું કિસી કરીશ એટલે મટી જશે

બ્રિસ્બેન ટેસ્ટની છેલ્લી ઇનિંગ્સમાં ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમની દીવાલ સમો ચેતેશ્વર પુજારા ૨૧૧ બૉલમાં ૫૬ રનની પારી રમીને અનેક ઈજા થવા છતાં મેદાનમાં જે પ્રમાણે ટકી રહ્યો હતો એને લીધે ટીમ ઇન્ડિયાની જીતવાની આશા જળવાઈ રહી હતી. મૅચ દરમ્યાન અનેક વાર પોતાના શરીર પર બૉલનો માર સહન કર્યો હોવા છતાં તે પિચ પર રમી રહ્યો હતો જેને લીધે કોચ રવિ શાસ્ત્રીએ તેને અલ્ટિમેટ વૉરિયર કહીને બોલાવ્યો હતો. પુજારાની આ ઇનિંગ્સને લીધે તેના પપ્પા અરવિંદ પુજારા પણ ઘણા ખુશ છે અને તેમણે ચેતેશ્વરને ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટ ટીમની કરોડરજ્જુ ગણાવ્યો છે. તો વળી તેની બે વર્ષની દીકરીએ પણ એક ભાવુક સંદેશ આપ્યો હતો કે ‘પપ્પાને જ્યાં પણ વાગ્યું છે ત્યાં હું કિસી કરીશ એટલે તેમને મટી જશે.’ દીકરીની આ સમજથી ચેતેશ્વર પણ ભાવુક થઈ ગયો હતો.
દીકરી અદિતિનો ભાવુક મેસેજ
ચેતેશ્વરે બ્રિસ્બેનમાં અનેક વાર ઑસ્ટ્રેલિયન બોલરો દ્વારા બૉલથી માર સહન કરવો પડ્યો હતો. જ્યારે પુજારા રમી રહ્યો હતો ત્યારે તેની પત્ની પૂજા અને બે વર્ષની દીકરી અદિતિ ટીવી પર મૅચ જોઈ રહ્યાં હતાં. જ્યારે પણ ચેતેશ્વરને બૉલ વાગતો ત્યારે અદિતિ પૂજાને કહેતી કે ‘પપ્પા જ્યારે ઘરે આવશે ત્યારે તેમને જ્યાં પણ વાગ્યું છે ત્યાં હું કિસી કરીશ એટલે મટી જશે.’
આ વાતથી ભાવુક બનેલા ચેતેશ્વરે પછીથી કહ્યું હતું કે ‘જ્યારે અદિતિ ચાલવાનું શીખતી અને પડી જતી ત્યારે તેને જ્યાં પણ વાગતું ત્યાં હું તેને કિસ કરતો એટલે તેને એવી સમજણ છે કે કોઈ પણ વ્યક્તિને જ્યાં પણ વાગ્યું હોય ત્યાં કિસ કરવાથી એ મટી જાય છે.’
પેઇન કિલર લેવાની નથી આદત
ચેતેશ્વરે એક મુલાકાતમાં કહ્યું કે ‘શરૂઆતથી મને પેઇન કિલર લેવાની આદત નથી અને એને કારણે મારી સહનશક્તિ ઘણી વધારે છે. તમે લાંબા સમય સુધી રમો છો એટલે તમને બૉલ લાગવાની આદત પડી જાય છે. પરિસ્થિતી જોઈને અમને વિકેટ ગુમાવવી પરવડે એમ નહોતું એટલે મેં બૉલ લાગવા દીધી. આંગળી પર લાગ્યા બાદ બેટ પકડવું પણ મુશ્કેલ બની ગયું હતું.’
પિતાએ કરી પ્રશંસા
એક મુલાકાતમાં અરવિંદ પૂજારાએ કહ્યું કે ‘ચેતેશ્વરની ઇનિંગે દિલ જીતી લીધું. એક સમયે હાથમાં ઈજા થયા બાદ લાગી રહ્યું હતું કે તે રિટાયર્ડ હર્ટ થઈ જશે પણ તેણે એમ ન કરતા પોતાની ઇનિંગ જાળવી રાખી. રમતી વખતે તેની હેલમેટ અને આંગળીમાં ઈજા થવાથી અમને પણ સ્વાભાવિકપણે ચિંતા થઈ હતી પણ થોડીવાર પછી જ્યારે તે રમવા લાગ્યો ત્યારે રાહત મળી. તે ટેસ્ટ ક્રિકેટ ટીમની કરોડરજ્જુ છે. તેણે ભલે ઓછા રન બનાવ્યા હોય પણ ક્રિસ પર બનેલા રહી ટકી રહેવાના સંદર્ભમાં તેની વધારે ચર્ચા થઈ રહી છે અને તેની આ વાતનું મહત્ત્વ સમજી યુવાઓ ટેસ્ટ ક્રિકેટને જરૂર પસંદ કરશે. મૅચ પછી અમારી વધારે વાત નથી થઈ પણ તેની ઈજા હવે ઠીક છે અને ત્રણ-ચાર દિવસમાં એ સ્વસ્થ થઈ જશે. મારા ખ્યાલથી તેણે હજુ પોતાની બેકફૂટ ગેમને સુધારવાની જરૂર છે. ઇંગ્લૅન્ડ સિરીઝ પહેલા તેણે આ બાબતે કામ કરવું જોઈએ.’

cricket news sports sports news cheteshwar pujara