સ્પૉટ-ફિક્સિંગવાળી સિરીઝના ૧૬ પ્લેયરોમાંથી અત્યારે કોણ ક્યાં છે?

08 November, 2011 08:41 PM IST  | 

સ્પૉટ-ફિક્સિંગવાળી સિરીઝના ૧૬ પ્લેયરોમાંથી અત્યારે કોણ ક્યાં છે?



પાકિસ્તાનની ગયા વર્ષની વિવાદાસ્પદ ટીમના ૯ પ્લેયરો અત્યારે ટીમમાં નથી : બાકીના ૭માંથી બહુ ઓછા ટીમમાં ફિક્સ છે

સલમાન બટ (કૅપ્ટન)

સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડના સૂત્રધાર હોવા બદલ ૩૦ મહિનાની જેલની સજા ભોગવી રહ્યો છે.

કામરાન અકમલ

લૉર્ડ્સની ગયા વર્ષની વિવાદાસ્પદ મૅચ પછી ટેસ્ટ ટીમમાં ફરી જગ્યા નથી મળી. વર્લ્ડ કપ પછી વન-ડે ટીમમાં નથી આવવા મળ્યું. ફિક્સિંગના કૌભાંડમાં વારંવાર તેનું નામ બોલાયું છે.

ઇમરાન ફરહાત

આ ઓપનિંગ બૅટ્સમૅનને લૉર્ડ્સની વિવાદાસ્પદ મૅચ પછી ટેસ્ટમાં નથી રમવા મળ્યું. શ્રીલંકા સામે ગઈ કાલે પૂરી થયેલી ટેસ્ટસિરીઝની ટીમમાં તો હતો, પરંતુ એકેય મૅચ તેને નહોતી રમવા મળી.

અઝહર અલી

પાકિસ્તાન-ક્રિકેટનો આ નવો ચહેરો ખૂબ ઠરેલ દિમાગનો અને શાંત સ્વભાવનો છે. તેણે ગયા અઠવાડિયે કરીઅરની પ્રથમ ટેસ્ટસદી ફટકારી હતી.

ઉમર અમીન

થોડા મહિના પહેલાં બંધ પડી ગયેલા ઇંગ્લૅન્ડના ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિકના રિપોર્ટરના સ્ટિંગ-ઑપરેશનમાં ઉમર અમીનનો પણ ફોટો હતો. તેને ગયા વર્ષની એજબૅસ્ટન-ટેસ્ટ પછી ટીમમાં નથી આવવા મળ્યું.

મોહમ્મદ યુસુફ

ગયા વર્ષથી ફરી પાકિસ્તાની ટીમમાં નથી આવવા મળ્યું. જોકે તે ૩૭ વર્ષનો થઈ ગયો હોવાને લીધે તેમ જ અગાઉ ટીમમાં થયેલા ઝઘડાઓમાં તેની સંભવિત ભૂમિકા હોવાને કારણે તેને ફરી નથી લેવામાં આવતો.

ઉમર અકમલ

આ ટૅલન્ટેડ બૅટ્સમૅન અને વિવાદાસ્પદ પ્લેયર કામરાનના નાના ભાઈને બે મહિનાથી ટેસ્ટમાં નથી રમવા મળ્યું, પરંતુ શુક્રવારે શ્રીલંકા સામે શરૂ થતી વન-ડે સિરીઝની ટીમમાં તે છે. ઉમર અકમલે એક સમયે ટીમના નવા પ્લેયરો પર બહુ દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ ભૂતપૂર્વ વિકેટકીપર ઝુલ્કરનૈન હૈદર કરી ચૂક્યો છે.

શોએબ મલિક

દુબઈમાં પત્ની સાનિયા મિર્ઝા સાથે રહેતા આ વિવાદાસ્પદ ભૂતપૂર્વ કૅપ્ટનને એક વર્ષથી ટેસ્ટમૅચ નથી રમવા મળી, પરંતુ વર્તમાન વન-ડે ટીમમાં તે છે.

મોહમ્મદ આમિર

એક સમયે બીજા વસીમ અકરમ તરીકે ઓળખાતા ૧૯ વર્ષના આ ફાસ્ટ બોલરે સ્પૉટ-ફિક્સિંગની કબૂલાત લંડનની કોર્ટમાં કરી હોવાથી તેને માત્ર છ મહિનાની સજા કરવામાં આવી છે.

ઉમર ગુલ

છેલ્લા ઘણા વષોર્થી સતતપણે પાકિસ્તાની ટીમમાં જોવા મળતો આ બિન-વિવાદાસ્પદ ફાસ્ટ બોલર શુક્રવારે શ્રીલંકા સામે શરૂ થતી વન-ડે સિરીઝની ટીમનો મુખ્ય બોલર છે.

સઈદ અજમલ

આ ઑફ સ્પિનર પણ નિર્વિવાદ રહ્યો છે અને અત્યારે પાકિસ્તાનની ટેસ્ટ તેમ જ વન-ડે ટીમમાં તેણે સ્થાન બરાબર જમાવી લીધું છે.

દાનિશ કનેરિયા

ગયા વર્ષે ફિક્સિંગના એક કેસમાં એસેક્સ કાઉન્ટીની પોલીસે તેને નિદોર્ષ તો છોડ્યો છે, પરંતુ એસેક્સ કાઉન્ટીએ તેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નથી કર્યો અને પાકિસ્તાની ટીમમાં તેને દોઢ વર્ષથી જગ્યા નથી મળી.

મોહમ્મદ આસિફ

સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડમાં સલમાન બટ પછીના આ આરોપી નંબર ટૂને એક વર્ષની જેલની સજા થઈ છે.

ઝુલ્કરનૈન હૈદર

ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં એક ફિક્સર તરફથી મોતની ધમકી મળતાં દુબઈથી લંડન ભાગી ગયો હતો. આ વિકેટકીપર પાછો પાકિસ્તાન આવી તો ગયો છે, પરંતુ પાકિસ્તાની ટીમમાં તેને ફરી જગ્યા નથી મળી અને તેના બદલે ૨૦૦૭થી ૨૦૧૦ દરમ્યાન ઇન્ટરનૅશનલ મૅચો રમી ચૂકેલા આશાસ્પદ વિકેટકીપર સરફરાઝ અહમદને વન-ડે ટીમમાં લેવામાં આવ્યો છે.

વહાબ રિયાઝ

શ્રીલંકા સામે ગઈ કાલે પૂરી થયેલી ટેસ્ટસિરીઝની ટીમમાં તે હતો તો ખરો, પણ એકેય મૅચ નહોતી રમવા મળી. વન-ડે ટીમમાંથી તે બાકાત છે.  સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડમાં વારંવાર તેનું નામ બોલાયું છે.

યાસિર હમીદ

ગયા વર્ષની લૉર્ડ્સની વિવાદાસ્પદ ટેસ્ટમાં માત્ર બે અને ત્રણ રન કરનાર ૩૩ વર્ષના આ બૅટ્સમૅનને એ મૅચ પછી નથી રમવા મળ્યું. ‘ન્યુઝ ઑફ ધ વર્લ્ડ’ સાપ્તાહિકે સ્પૉટ-ફિક્સિંગ કૌભાંડને લગતી તપાસમાં તેનું ખોટું નામ આપ્યું હોવા બદલ તેણે એ સાપ્તાહિક સામે કેસ માંડ્યો હતો જેમાં તેનો (હમીદનો) આંશિક વિજય થયો હતો.

બટ અને આસિફ પરાણે જેલની એક જ રૂમમાં

લંડન નજીક વૅન્ડ્સવર્થ નામની જેલમાં અઢી વર્ષની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન સલમાન બટને અને એક વર્ષની કેદ ભોગવતા ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફને જેલની એક જ રૂમમાં રાખવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે મોહમ્મદ આમિર અને એજન્ટ મઝહર માજિદ સાથે તેમની સજા જાહેર કરવામાં આવી એ પહેલાંની સુનાવણી દરમ્યાન આસિફે બટ સામે ઘણા આક્ષેપ કર્યા હતા એ જોતાં હવે જેલની એક જ રૂમમાં બન્નેને સાથે રહેવું નહીં જ ગમતું હોય.

સુનાવણી દરમ્યાન આસિફે બટ વિશે કહ્યું હતું કે ‘બુકી મઝહર માજિદ સાથેની ગોઠવણને પગલે જાણી જોઈને ત્રણ નો બૉલ ફેંકવાનું જે નક્કી કરવામાં આવ્યું હતું એમાંનો મેં બીજો નો બૉલ ફેંકયો એ પહેલાં બટે મને ગાળ આપી હતી. આખી જે ઘટના બની એ વિશે બટ ઘણું જાણે છે, કારણ કે ત્યારે તે કૅપ્ટન હતો અને કયા બોલરે કેવી બોલિંગ કરવી એ બધુ તે જ નક્કી કરતો હતો.’