જ્યારે ચીનમાં ભૂપતિને ડિનરમાં જીવતો સાપ પીરસવામાં આવ્યો

04 December, 2012 07:04 AM IST  | 

જ્યારે ચીનમાં ભૂપતિને ડિનરમાં જીવતો સાપ પીરસવામાં આવ્યો




કલકત્તા: ભારતના ટેનિસસ્ટાર મહેશ ભૂપતિએ રવિવારે કલકત્તામાં જર્નલિસ્ટ બોરિયા મજુમદારના ‘કુકિંગ ઑન ધ રન’ ટાઇટલવાળા પુસ્તકના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. ભૂપતિએ પત્રકારોને કહ્યું હતું કે ‘વિદેશી પ્રવાસોમાં ભારતીય વાનગીઓ બહુ ઓછી મળતી હોય છે. મેં પાસ્તાથી ચલાવી લીધું હોય એવું ઘણી વખત બન્યું છે.’

ભૂપતિએ ચીનમાં એક દિવસ ડિનર વખતે થયેલા કડવા અનુભવની વાત કરતા કહ્યું હતું કે ‘ચીનમાં ભાવતી વાનગીઓ મળવી ખૂબ મુશ્કેલ છે. થોડા વષોર્ પહેલાં હું ડેવિસ કપની મૅચો રમવા ત્યાં ગયો હતો. એક દિવસ અમારી હોટેલના ડિનરમાં મને અને બીજા ભારતીય પ્લેયરોને જીવતા સાપ પીરસવામાં આવ્યા હતા. અમારી સામે એ સાપ મૂક્યા પછી વેઇટરે અમને પૂછ્યું કે તમે આ સાપ આમ જ ખાઈ જશો કે રાંધીને અને મરીમસાલા ઉમેરીને લઈ આવું? તેની વાત સાંભળીને હું અને મારા મિત્રો ઊભા થઈને ચાલવા જ માંડ્યા અને અમારી રૂમમાં પહોંચી ગયા હતા અને ત્યાંથી ભાવતી ચાઇનીઝ વાનગીઓના ઑર્ડર આપ્યા હતા. જોકે એ વાનગીઓ આપણે ભારતમાં ખાતા હોઈએ છીએ એવી ટેસ્ટી નહોતી.’

આવતું વર્ષ કરીઅરનું છેલ્લું

૩૮ વર્ષના મહેશ ભૂપતિએ રવિવારના સમારંભમાં કહ્યું હતું કે ‘૨૦૧૩ના વર્ષમાં હું કરીઅરનો અંત લાવી દઈશ. મેં ભવ્ય કરીઅર માણી અને ઘણી સિદ્ધિઓ મેળવી. હું મારી ૧૦ મહિનાની પુત્રી સાઇરા વગર જરાય નથી રહી શક્તો. તેને ઘેર મૂકીને વિદેશોની ટૂર પર ફરવાનું હવે મને નથી ગમતું.’