ભારતની 124 રને શરમજનક હાર

09 October, 2014 03:14 AM IST  | 

ભારતની 124 રને શરમજનક હાર


માર્લન સૅમ્યુલ્સની અણનમ સેન્ચુરીને કારણે કોચીમાં રમાયેલી પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને ૧૨૪ રને હાર આપી હતી. વેસ્ટ ઇન્ડીઝે ૫૦ ઓવરમાં ૩૨૧ રન કર્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયા ૪૧ ઓવરમાં ૧૯૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલી વિકેટ ૪૯ રને ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયા મૅચમાં પરત આવી શકી નહોતી. ભારત તરફથી શિખર ધવને ૬૮ રન કર્યા હતા. તેને બાદ કરતાં કોઈ પણ બૅટ્સમૅન સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તમામ બૅટ્સમેનો વેસ્ટ ઇન્ડીઝના બોલિંગ-આક્રમણ સમક્ષ લાચાર જણાતા હતા. રવીન્દ્ર જાડેજા ૩૩ રને નૉટઆઉટ રહ્યો હતો. વિરાટ કોહલી બે રને તો સુરેશ રૈના ઝીરો પર આઉટ થયો હતો. કૅપ્ટન ધોનીએ ૮ તો અંબાતી રાયડુએ ૧૩ રન બનાવ્યા હતા.

માર્લન સૅમ્યુલ્સે ૧૧૬ બૉલમાં ૧૨૬ રન બનાવ્યા હતા. આ તેની છઠ્ઠી વન-ડે સેન્ચુરી હતી. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને બૅટિંગ આપી હતી. સૅમ્યુલ્સે ૧૧૬ બૉલની પોતાની ઇનિંગ્સ દરમ્યાન ૧૧ ચોક્કા તથા ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડેનેશ રામદીને પણ ૬૧ રન તો ડ્વેઇન સ્મિથે ૪૬ રન કર્યા હતા. માર્લન સૅમ્યુલ્સને બંગલા દેશની ટૂરમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે તેને ભારતની ટૂર માટે પાછો બોલાવતાં ડેનેશ રામદીન સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૬૫ રન કર્યા હતા.

કૅપ્ટન ડ્વેઇન બ્રાવોએ ડ્વેઇન સ્મિથ સાથે ઓપનિંગ બૅટિંગ કરી હતી. જોકે કૅપ્ટન બ્રાવો માત્ર ૧૭ રન કરીને આઉટ થયો હતો. ડૅરેન બ્રાવોએ ડ્વેઇન સ્મિથ સાથે મળીને બીજી વિકેટ માટે ૬૪ રન કર્યા હતા, જેને કારણે વેસ્ટ ઇન્ડીઝને સારું સ્ટાર્ટ મળ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ ૬૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી.

પગારનો વિવાદ છતાં મૅચ રમ્યા કૅરિબિયનો

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડના સભ્યના જણાવ્યા અનુસાર કરાર થયા હોવા છતાં પહેલી વન-ડે પહેલાં કેટલાક ખેલાડીઓમાં પગારના મુદ્દે અસંતોષ હોવાથી રમવા નહોતા માગતા. આ મુદ્દે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને ધમકી આપવા છતાં તમામ ખેલાડીઓ મૅચ રમ્યા હતા.સોમવારે જ અનેક શંકા-કુશંકા થતી હતી, પરંતુ પરિસ્થિતિ આટલી ખરાબ હશે એ ચિત્ર ગઈ કાલે સ્પષ્ટ થયું હતું.