અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની માંકડગીરી

03 February, 2016 05:21 AM IST  | 

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની માંકડગીરી


બંગલા દેશમાં ચાલી રહેલા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ગઈ કાલે ઝિમ્બાબ્વે સામે જીત માટે વેસ્ટ ઇન્ડીઝે માંકડગીરીનો સહારો લેવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે આપેલા ૨૨૭ રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેએ ૪૯ ઓવરમાં ૯ વિકેટે ૨૨૪ રન બનાવી લીધા હતા અને છેલ્લી ઓવરમાં જીત માટે ત્રણ રનની જરૂર હતી. વેસ્ટ ઇન્ડીઝના પેસ બોલર કીમો પૉલે રન-અપ બાદ બૉલ ફેંકવાને બદલે ક્રીઝ છોડીને આગળ નીકળી ગયેલા ઝિમ્બાબ્વેના રિચર્ડ એનગ્રવાને રનઆઉટ કરી દીધો હતો. અમ્પાયર્સે કૅરિબિયન કૅપ્ટનને અપીલ પાછી ખેંચવા વિશે પૂછuું હતું, પણ જવાબ ના આવતાં થર્ડ અમ્પાયરનો સહારો લેવામાં આવ્યો હતો જેમાં ઝિમ્બાબ્વેનો બૅટ્સમૅન આઉટ જણાયો હતો. વિવાદાસ્પદ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયું હતું અને ઝિમ્બાબ્વે નિરાશા સાથે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું હતું. જુનિયર લેવલે વેસ્ટ ઇન્ડીઝની ટીમની આ હરકતની ચારેકોરથી ભારે ટીકાઓ થવા લાગી હતી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનુ માંકડે ૧૯૪૭ની ૧૩ ડિસેમ્બરે સૌપ્રથમ આ પદ્ધતિથી ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન બિલ બ્રાઉનને આઉટ કર્યો હોવાથી આઉટ કરવાની આ પદ્ધતિનો માંકડિડ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.

નામિબિયા ટકરાશે ભારત સામે


અન્ડર-૧૯ વર્લ્ડ કપની ગઈ કાલે પ્રથમ બે ક્વૉર્ટર ફાઇનલ લાઇન-અપ નક્કી થઈ હતી જેમાં શુક્રવારે બંગલા દેશનો મુકાબલો નેપાલ સામે અને શનિવારે ભારતની ટક્કર નામિબિયા સામે થશે. ગ્રુપ ખ્માંથી નામિબિયાએ પ્રથમ બે મૅચ જીતીને ક્વૉર્ટરમાં એન્ટ્રી મારી હતી અને ગયા વર્ષનું ચૅમ્પિયન સાઉથ આફ્રિકા ત્રીજા સ્થાને રહીને ટુર્નામેન્ટમાંથી નામોશીભરી રીતે આઉટ થઈ ગયું હતું. આજે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેના છેલ્લા મુકાબલા બાદ બાકીની બે ક્વૉર્ટર ફાઇનલ લાઇન-અપ નક્કી થઈ જશે.

ઉંમરને લીધે નેપાલનો કૅપ્ટન વિવાદમાં

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં નેપાલની ટીમનો કૅપ્ટન રાજુ રિજાલ ૨૫ વર્ષનો હોવાનું મુંબઈના ક્રિકેટર કૌસ્તુભ પવારે દાવો કરતાં વિવાદ ઊભો થયો હતો. મુંબઈના રણજી પ્લેયર કૌસ્તુભ પવારે તેના ફેસબુક પેજ પર લખ્યું હતું કે હું અને રાજુ દસેક વર્ષ પહેલાં અન્ડર-૧૫માં સાથે રમતા હતા અને આજે મારી ઉંમર ૨૫ વર્ષની છે તો પછી રાજુ અન્ડર-૧૯ કૅટેગરીમાં કેવી રીતે આવી શકે?

આરોપ છે કે રાજુ રિજાલ નેપાલમાં જતો રહ્યો એ પહેલાં મુંબઈમાં રાજુ શર્માના નામે ક્રિકેટ રમતો હતો.