કૅરિબિયનો સિરીઝ જીતીને હવે ધોનીના ધુરંધરોને પડકારવા ભારત આવી રહ્યા છે

03 November, 2011 09:43 PM IST  | 

કૅરિબિયનો સિરીઝ જીતીને હવે ધોનીના ધુરંધરોને પડકારવા ભારત આવી રહ્યા છે



મૅન ઑફ ધ મૅચ બૅટ્સમૅન કર્ક એડવર્ડ્સે કહ્યું હતું કે બંગલા દેશમાં સિરીઝ જીતવા બદલ અમારો ઉત્સાહ ખૂબ વધી ગયો છે અને આ બુલંદ ઉત્સાહ સાથે અમે હવે ભારત જઈશું. બંગલા દેશ ઘરઆંગણે કુલ ૩૫ ટેસ્ટ રમ્યું છે જેમાંથી ૨૯ હાર્યું છે અને પાંચ મૅચ ડ્રૉ થઈ છે, જ્યારે એણે એકમાત્ર જીત જાન્યુઆરી ૨૦૦૫માં ચિત્તાગૉન્ગમાં ઝિમ્બાબ્વે સામે મેળવી હતી.

બિશુની પાંચ વિકેટ : એડવર્ડ્સ મૅચનો અને શાકીબ સિરીઝનો હીરો

ગઈ કાલે બંગલા દેશ ૫૦૮ રનના ટાર્ગેટ સામે ૨૭૮ના સ્કોરે ઑલઆઉટ થઈ ગયું હતું. સ્પિનર દેવેન્દ્ર બિશુએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. ઓપનર તમીમ ઇકબાલ મંગળવારે ૮૨ રને નૉટઆઉટ હતો, પરંતુ ગઈ કાલે બીજો એક જ રન કરીને ૮૩ રનના તેના સ્કોરે બિશુના બૉલમાં કૅચઆઉટ થઈ ગયો હતો.

કૅપ્ટન મુશફીકુર રહીમ ૩૩ રને નૉટઆઉટ હતો, પરંતુ ગઈ કાલે તે ૬૯ રનના તેના સ્કોરે બિશુના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. બૅટ્સમૅન કર્ક એડવર્ડ્સને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પ્રથમ દાવમાં ૧૨૧ રન અને બીજા દાવમાં ૮૬ રન બનાવવા બદલ મળ્યો હતો. સિરીઝમાં ફૉર્થ-હાઇએસ્ટ કુલ ૧૬૮ રન કરવા ઉપરાંત સેકન્ડ-હાઇએસ્ટ ૧૦ વિકેટ લેનાર શાકીબ-અલ-હસનને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો. સિરીઝમાં સૌથી વધુ રન કર્ક એડવર્ડ્સ (૨૫૨)ના હતા અને સૌથી વધુ વિકેટ દેવેન્દ્ર બિશુ (૧૧)ની હતી.