વિન્ડીઝે 8 મેચ બાદ ભારતને હરાવ્યું, બીજી ટી20 મેચ 8 વિકેટે જીતી

08 December, 2019 10:30 PM IST  |  Mumbai

વિન્ડીઝે 8 મેચ બાદ ભારતને હરાવ્યું, બીજી ટી20 મેચ 8 વિકેટે જીતી

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલ ટી20 સીરિઝમાં બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ભારતને 8 વિકેટે હાર આપીને સીરિઝ 1-1થી સરભર કરી લીધી છે. ભારતે આપેલા 171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મેદાન પર ઉતરેલી વિન્ડીઝ ટીમે 18.3 ઓવરમાં લક્ષ્યાંક પાર પાડ્યો હતો. ઓપનર્સે રનચેઝમાં તેમને શાનદાર શરૂઆત અપાવી હતી. લેન્ડલ સિમન્સે 45 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 67* રન કર્યા, જ્યારે એવીન લુઇસે 40 રન કર્યા હતા. સિમન્સે પોતાની છેલ્લી ફિફટી 2016માં ભારત સામે જ મુંબઈ ખાતે મારી હતી. વિન્ડીઝે આઠ મેચ પછી T-20માં ભારત સામે જીત મેળવી હતી, તેમણે ભારતને છેલ્લે 2017માં અમેરિકાના લાઉડરહિલ ખાતે હરાવ્યું હતું.


નિકોલસ પૂરને 18 બોલમાં 38* રન કરીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો હતો. નોંધ લેવા જેવી વાત એ છે કે ભારતની ફિલ્ડિંગ આજે ઘણી નબળી રહી હતી. સિમન્સનો 6 રને સુંદરે અને લુઈસનો 16 રને ઋષભ પંતે કેચ છોડ્યો હતો. બંનેએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો અને વિન્ડીઝે સીરિઝમાં બરોબરી કરી હતી. ત્રણ મેચની સીરિઝની ફાઇનલ બુધવારે મુંબઈ ખાતે રમાશે.

કોહલીએ શાનદાર કેચ કરીને હેટમાયરને આઉટ કર્યો
કોહલી લોન્ગ-ઓનથી જમણી બાજુ દોડ્યો, પૂરેપૂરો સ્ટ્રેચ થયો અને બે હાથે કેચ ઝડપ્યો. એટલું જ નહીં તે કરતા તેનું બેલેન્સ જતું રહ્યું હતું અને તે જાળવવું બહુ અઘરું હતું. તેણે સ્લાઈડ કરી અને બાઉન્ડ્રીને અડ્યા વગર ઉભો થયો! અદભુત કેચ! બેટ્સમેન હેટમાયર વિચારતો રહી ગયો કે જ્યાં મને સિક્સ મળવી જોઈતી હતી ત્યાં મારે પાછું પેવેલિયન ભેગું થવું પડ્યું, તે 23 રને જાડેજાનો શિકાર થયો. તે પહેલા એવીન લુઈસ 40 રને સુંદરની બોલિંગમાં કીપર પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. સિમન્સનો 6 રને સુંદરે અને લુઈસનો 16 રને ઋષભ પંતે કેચ છોડ્યો હતો.

ભારતે વિન્ડીઝને 171 રનનો લક્ષ્યાંક આપ્યો
ભારતે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વિન્ડીઝ સામે 20 ઓવરમાં 7 વિકેટે 170 રન કર્યા છે. વિન્ડીઝને સીરિઝમાં જીવંત રહેવા 171 રન કરવા જરૂરી છે. ટીમ ઇન્ડિયા માટે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરતા 30 બોલમાં 54 રનની ઇનિંગ્સ રમી હતી. આ તેના કરિયરની મેડન ફિફટી હતી. તેના સિવાય ઋષભ પંતે પણ 22 બોલમાં 33* રનનું યોગદાન આપ્યું હતું. સ્ટાર 3- લોકેશ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી મોટો સ્કોર કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેયે અનુક્રમે 11, 15 અને 19 રન કર્યા હતા. વિન્ડીઝ માટે હેડન વોલ્શ અને કે વિલિયમ્સે બે-બે વિકેટ ઝડપી હતી.

cricket news west indies team india virat kohli