કૅપ્ટન વિરાટ પાસેથી નેતૃત્વકળા શીખવા માટે આતુર ગ્લેન મૅક્સવેલ

02 March, 2021 10:52 AM IST  |  Wellingto | Agency

કૅપ્ટન વિરાટ પાસેથી નેતૃત્વકળા શીખવા માટે આતુર ગ્લેન મૅક્સવેલ

ગ્લેન મૅક્સવેલ

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી વિરાટ કોહલીના નેતૃત્વમાં રમતો જોવા મ‍ળશે. જોકે ભારતીય કપ્તાન જે પ્રમાણે ક્રિકેટના દરેક ફૉર્મેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે એ જોતાં મૅક્સવેલે કોહલી પાસેથી નેતૃત્વક્ષમતા શીખવાની આશા વ્યક્ત કરી છે.

આઇપીએલની પાછલી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે રમતા મૅક્સવેલે નબળું પ્રદર્શન કર્યું હતું જેને લીધે ફ્રૅન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. આ વર્ષે બૅન્ગલોરે તેના પર ભરોસો કરીને તેને ૧૪.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

દબાણમાં કોહલી માહેર

ઑસ્ટ્રેલિયન મીડિયા સાથે વાત કરતાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે કહ્યું કે ‘વિરાટ કોહલી ગેમના દરેક ફૉર્મેટમાં શીર્ષસ્થાને છે જ્યાં તેણે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તે ગેમના દબાણને સારી રીતે હૅન્ડલ કરે છે અને પરિસ્થિતિ અનુસાર પોતાની રમત બદલીને પોતાનો દબદબો જાળવે છે. ભારતીય કપ્તાન અને સર્વશ્રેષ્ઠ ખેલાડી હોવાને લીધે તે દબાણને સારી રીતે હૅન્ડલ કરી લે છે.’

આઇપીએલમાં શીખીશ નેતૃત્વકળા

આ વર્ષે આઇપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં બૅન્ગલોર માટે રમનારા ગ્લેન મૅક્સવેલે કહ્યું કે ‘હું ફક્ત મૅચ જ નહીં રમું, પણ અભ્યાસ કરવા સુધીની તેની કાર્યપ્રણાલીને સમજવા ઉત્સુક છું. મને ભરોસો છે કે એ ગાળામાં હું તેની પાસેથી નેતૃત્વકળાના કેટલાક ગુણ શીખી શકીશ. મારી તેની સાથે સારી દોસ્તી છે. ૨૦૧૯માં જ્યારે મેં માનસિક થાકને લીધે બ્રેક લીધો હતો ત્યારે કોહલીએ મને સમર્થન આપ્યું હતું. એક રીતે હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો એ તે સમજી ગયો હતો. કદાચ તે પોતે એ પરિસ્થિતિમાંથી ક્યારેક પસાર થયો હશે.’

glenn maxwell australia virat kohli cricket news sports news ipl 2021 indian premier league