શાર્દુલ ઘરે આવતાં પાલઘરમાં તેનું સ્વાગત

22 January, 2021 03:12 PM IST  |  Mumbai | Preeti Khuman Thakur

શાર્દુલ ઘરે આવતાં પાલઘરમાં તેનું સ્વાગત

પાલઘરના માહિમના ઘરે શાર્દુલ ઠાકુરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મૅચમાં ભારતની જીત થતાં દેશવાસીઓ ખૂબ આનંદિત થયા છે. ભારતની આ જીતમાં બહોળો ફાળો પાલઘરના માહિમ નામના ગામમાં રહેતા ટીમ ઇન્ડિયાના પ્લેયર ૨૯ વર્ષના શાર્દુલ ઠાકુરનો પણ છે એથી ગઈ કાલે બપોરે શાર્દુલ ઠાકુર પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાર્દુલના પરિવારજનો જ નહીં, ગામના રહેવાસીઓ તેના સ્વાગત માટે ભારે ઉત્સાહી હતા. શાર્દુલનાં મમ્મી હંસાબહેન અને પિતા નરેન્દ્ર ઠાકુર માટે પણ ભાવુક અને ગર્વ કરતી પળો હતી. કેક કાપીને ચોથી ટેસ્ટ મૅચ અને સિરીઝ-જીતની ઉજવણી કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયા સામેની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શાર્દુલ ઠાકુર પણ તેનું સ્વાગત અને લોકોએ દેખાડેલા પ્રેમને જોઈને ભાવુક બની ગયો હતો.
શાર્દુલ ઠાકુર બોરીવલીમાં રહેતા તેના કોચ દિનેશ લાડના ઘરે રહેવા ગયો છે. શાર્દુલ દહિસરમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ અને બોઇસરની તારાપુર વિદ્યા મંદિર માટે પણ રમ્યો છે. શાર્દુલ દરરોજ પાલઘરથી બોરીવલી અને ત્યાંથી ક્રિકેટ માટે ૯૦ કિલોમીટર ટ્રાવેલ કરતો હતો એથી તેના કોચે સમય બચાવવા તેને બોરીવલીના ફ્લૅટમાં રહેવાની પરવાનગી આપી હતી. શાર્દુલે સિરીઝમાં ૭ વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે શાર્દુલના પિતા નરેન્દ્ર ઠાકુર ખેડૂત છે.

preeti khuman-thakur sports sports news cricket news shardul thakur