કિવીઓને વહેલા આઉટ કરીને ફૉલો-ઑન આપીશું : અશ્વિન

25 August, 2012 10:08 AM IST  | 

કિવીઓને વહેલા આઉટ કરીને ફૉલો-ઑન આપીશું : અશ્વિન

 

 

હૈદરાબાદ: ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટના ગઈ કાલે બીજા દિવસે ટીમ ઇન્ડિયા ૪૩૮ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે દિવસના અંત સુધીમાં ન્યુ ઝીલૅન્ડની ૧૦૬ રનમાં પાંચ વિકેટ ઝડપી લઈને કિવીઓને ફૉલો-ઑનના આરે મૂકી દીધા હતા. ન્યુ ઝીલૅન્ડે ફૉલો-ઑનથી બચવા હજી ૧૩૨ રન બનાવવાના છે, પણ ટૉપના પાંચેય બૅટ્સમેનો પૅવિલિયનભેગા થઈ ગયા છે.

 

ગઈ કાલે વરસાદને લીધે મૅચ થોડી મોડી શરૂ થઈ હતી. હજી પણ વાદળાં છવાયેલાં છે. ત્રણ ટૉપના કિવીઓને આઉટ કરનાર રવિચન્દ્રન અશ્વિને મૅચ બાદ જણાવ્યું હતું કે વરસાદ વધુ અવરોધ ઊભો કરે એ પહેલાં ન્યુ ઝીલૅન્ડને આજે વહેલા આઉટ કરી નાખીને ફૉલો-ઑન આપવું છે અને મૅચ જલદી પતાવી નાખવી છે.

 

પૂજારાએ બનાવ્યા ૧૫૯

 

પહેલા દિવસે ટેસ્ટ-કરીઅરની પહેલી સેન્ચુરી ફટકારીને છવાઈ જનાર સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે લંચ સુધી લડત આપી હતી અને પોતાના સ્કોરને ૧૫૦ પાર લઈ ગયો હતો, પણ ત્યારબાદ સ્પિનર જીતેન પટેલની જાળમાં ફસાયો હતો અને ૧૫૯ના વ્યક્તિગત સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યાર બાદ ધોની પણ ૭૩ બનાવીને આઉટ થઈ ગયો હતો. છેલ્લે અશ્વિને પાંચ ફોર સાથે ૫૪ બૉલમાં ૩૭ રનની ઉપયોગી ઇનિંગ્સ રમતાં સ્કોર ૪૩૮ રન સુધી પહોંચી શક્યો હતો.

 

સ્પિનરો છવાયા

 

ભારતને ૪૩૮ સુધી સીમિત રાખવામાં સ્પિનર જીતેન પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. જીતેને ૪૧ ઓવરમાં ૧૦૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. જોકે ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડને પણ ભારતના સ્પિન-પાવરનો પરિચય મળી ગયો હતો. અશ્વિને ૩૦ રનમાં ત્રણ અને ઓઝાએ ૩૫ રનમાં બે વિકેટ ઝડપતાં તેમનો સ્કોર પાંચ વિકેટે ૧૦૬ રન હતો અને કિવીઓ ફૉલો-ઑનના આરે પહોંચી ગયા હતા. તેમણે ફૉલો-ઑનની નામોશીથી બચવા હજી ૧૩૨ રન કરવાના છે. બ્રૅન્ડન મૅકુલમ ૨૨ અને કેન વિલિયમસને ૩૨ રન બનાવીને થોડો સમય પ્રતિકાર કર્યો હતો. કૅપ્ટન રૉસ ટેલર પણ ફક્ત બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. દિવસના અંતે જેમ્સ ફ્રૅન્કલિન ૩૧ અને વિકેટકીપર વૅન વીક ખાતું ખોલાવ્યા વિના અણનમ હતા.