૧૯૯૬ના વર્લ્ડ કપમાં સોહેલના સ્વભાવથી અમે શૉક્ડ હતા : વકાર યુનુસ

12 July, 2020 01:58 PM IST  |  Mumbai Desk | Agencies

૧૯૯૬ના વર્લ્ડ કપમાં સોહેલના સ્વભાવથી અમે શૉક્ડ હતા : વકાર યુનુસ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક સમયના ફાસ્ટ બોલર વકાર યુનુસે તાજેતરમાં ૧૯૯૬ના વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ મૅચને યાદ કરી હતી જે તે ભારત સામે રમ્યો હતો. એ મૅચ ભારત ૩૯ રનથી જીતી ગયું હતું, પણ એ વખતના પાકિસ્તાનના કપ્તાન સોહેલનો સ્વભાવ ઘણો આક્રમક દેખાઈ રહ્યો હતો. એ વખતના કિસ્સાને યાદ કરતાં યુનુસે કહ્યું કે ‘સાચું કહું તો અમે સોહિલના બિહેવિયર પરથી ઘણા નવાઈ પામ્યા હતા. આખા મેદાનમાં તે બૉલને ગમે ત્યાં મારતો હતો. ખબર નહીં તે શા માટે આવું કરતો હતો? કદાચ તેના પર પ્રેશર આવ્યું હશે. તે ઘણી સારી બૅટિંગ કરી રહ્યો હતો. ૪૬ બૉલમાં તેણે ૫૫ રન બનાવી લીધા હતા. શરૂઆતની ૧૦ ઓવરમાં ૮૪-૮૫ રન કરીને અમે એક વિકેટ ગુમાવી હતી, પણ સઈદ અનવરની વિકેટ ગુમાવ્યા બાદ આમિર સોહેલ પણ આઉટ થયો હતો જેને લીધે અમે મુસીબતમાં મૂકાઈ ગયા હતા. ઇન્ઝમામ-ઉલ-હક અને એજાઝ અહેમદ પણ સારું રમી રહ્યા હતા. ખરું કહું તો મૅચ જીતવાનું શ્રેય અનિલ કુંબલેને જવું જોઈએ. તેણે અને વેન્કટેશ પ્રસાદે અમારી ટીમને હેરાન કરી મૂકી હતી અને પછી અમારે ફરી પાછું બેઠા થવું અઘરું થઈ પડ્યું હતું. હા, હું માંનું છું કે અમે કેટલીક ભૂલ કરી હતી. ચોથા નંબરે રમતા જાવેદ મિયાંદાદને પણ અમે છઠ્ઠા નંબરે રમવા મોકલ્યો હતો જે અમારી ભૂલ હતી.’
એ મૅચની ૧૪મી ઓવરમાં સોહેલે વેન્કટેશ પ્રસાદના બૉલ પર કવર પૉઇન્ટ પરથી ચોગ્ગો ફટકાર્યો હતો અને ત્યાર બાદ એ જ દિશામાં ફરીથી બાઉન્ડ્રી ફટકારવાનો બૅટથી ઇશારો કર્યો હતો પણ એના પછીના બીજા જ બૉલમાં પ્રસાદે તેને પૅવિલિયનભેગો કરીને શાંત પાડી દીધો હતો.

cricket news sports sports news