કોરોના સામેની લડાઈને વર્લ્ડ કપની જેમ જીતવાનો પ્રયાસ કરવાનો છે: શાસ્ત્રી

16 April, 2020 09:19 AM IST  |  Mumbai | Agencies

કોરોના સામેની લડાઈને વર્લ્ડ કપની જેમ જીતવાનો પ્રયાસ કરવાનો છે: શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વાઇરસ સામેની લડાઈને મધર ઑફ ઓલ વર્લ્ડ કપ બૅટલ્સ કહી છે અને આ લડાઈને બધાએ સાથે મળીને જીતવાની છે. રવિ શાસ્ત્રીએ ગઈ કાલે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે લોકોને કોરોના વાઇરસ સામે સુરક્ષાનાં પગલાં લેવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. શાસ્ત્રીએ કહ્યું કે ‘આજે કોરોના વાઇરસે આપણને એવી સ્થિતિ પર લાવીને ઊભા કરી દીધા છે જ્યાં આપણે કંઈ કરી શકીએ એમ નથી. આ મહાબીમારીને આપણે વર્લ્ડ કપની જેમ જીતવાનો પ્રયત્ન કરવાનો છે. આશ્ચર્ય થવાની જરૂર નથી, કારણ કે આ કોઈ સાધારણ વર્લ્ડ કપ નથી, આ મધર ઑફ ઓલ વર્લ્ડ કપ બૅટલ્સ છે. આ વર્લ્ડ કપમાં અગિયાર પ્લેયર નહીં, પણ ૧.૩ અબજ લોકો સાથે મળીને લડી રહ્યા છે. દોસ્તો, આપણે આ જીતી શકીએ છીએ અને એ માટે આપણે સામાન્ય વસ્તુઓને અનુસરવી પડશે. અન્ય દેશોની જેમ તમારા દેશના વડા પ્રધાન પણ આગળ ચાલીને આ લડતનું નેતૃત્વ કરી રહ્યા છે. આપણે કેન્દ્ર, રાજ્ય અને અન્ય ટૉપ ઑથોરિટીના ઑર્ડરને માનવો જોઈએ કેમ કે તેઓ પોતાની જીવનશૈલીને દાવ પર મૂકી આપણા માટે લડત લડી રહ્યા છે. આ ગેમ જીતવી સરળ નથી. તમને આ ગેમ જીતવામાં તકલીફ થશે, પણ જ્યારે જીતી જશો ત્યારે ઘણો ફાયદો થશે. તો ચાલો દોસ્તો, સાથે મળીને લડીએ. માનવતાના વર્લ્ડ કપ માટે ૧.૩ અબજ લોકો સાથે મળીને આગળ વધીએ.’

ravi shastri cricket news sports news ipl 2020 world cup