કૅપ્ટન્સી માટે રાહુલ દ્રવિડને એટલી ક્રેડિટ નહોતી આપવામાં આવી:ગૌતમ ગંભીર

23 June, 2020 02:35 PM IST  |  Mumbai | Agencies

કૅપ્ટન્સી માટે રાહુલ દ્રવિડને એટલી ક્રેડિટ નહોતી આપવામાં આવી:ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ક્રિકેટના પંડિતો જ્યારે ઇન્ડિયાના સૌથી બેસ્ટ લીડર્સની વાત કરે છે ત્યારે કપિલ દેવ, એમ. એસ. ધોની અને સૌરવ ગાંગુલીનું નામ લેવામાં આવે છે. જોકે ગૌતમ ગંભીરનું કહેવું છે કે રાહુલ દ્રવિડને કૅપ્ટન્સી માટે જોઈએ એટલી ક્રેડિટ નહોતી આપવામાં આવી. ઇન્ડિયન ક્રિકેટ પર દ્રવિડની અસર વિશે વાત કરતાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘મેં મારું વન-ડે ડેબ્યુ સૌરવ ગાંગુલીની અન્ડર અને ટેસ્ટ ડેબ્યુ રાહુલ દ્રવિડની અન્ડર કર્યું હતું. એ ખૂબ જ દુઃખની વાત છે કે રાહુલ દ્રવિડને જોઈએ એટલી કૅપ્ટન્સી માટે ક્રેડિટ આપવામાં નહોતી આવી. આપણે ફક્ત સૌરવ ગાંગુલી અને એમ. એસ. ધોની અને હવે વિરાટ કોહલી વિશે વાત કરીએ છીએ, પરંતુ આપણે દ્રવિડ વિશે વાત નથી કરતા. તે પણ ઇન્ડિયાનો ફેમસ કૅપ્ટન હતો તથા મોસ્ટ અન્ડર-રેટેડ ક્રિકેટર અને મોસ્ટ અન્ડર-રેટેડ લીડર છે.’

ઇન્ડિયાને જેની જરૂર હોય એ રોલ રાહુલ દ્રવિડ ભજવતો હતો. જરૂર પડ્યે ટેસ્ટ મૅચમાં ઓપનિંગ કરતો અને જરૂર પડ્યે વન-ડેમાં વિકેટકીપિંગ પણ કરતો. આ વિશે ગંભીરે કહ્યું હતું કે ‘દ્રવિડની જ્યારે ક્રિકેટર તરીકેની વાત કરો ત્યારે તમે તેને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતો પણ જોયો હશે અને તેને ત્રણ નંબર પર આવીને વિકેટ બચાવતો પણ જોયો હશે. તે ઇન્ડિયા માટે ફિનિશર પણ બન્યો છે અને ઇન્ડિયાના કૅપ્ટને તેની પાસે જે આશા રાખી હતી એ તેણે પૂરી કરી છે. આ પ્રકારના રોલ મૉડલની આપણને જરૂર છે. મારા ખ્યાલથી તેની ઇમ્પૅક્ટ ઘણી વધુ છે. વાઇટ-બૉલમાં સૌરવ ગાંગુલીની ઇમ્પૅક્ટ વધારે હતી, પરંતુ ઓવરઑલ રાહુલ દ્રવિડની ઇમ્પૅક્ટ વધુ હતી. તમે તેની ઇમ્પૅક્ટની સરખામણી સચિન તેન્ડુલકર સાથે પણ કરી શકો છો, કારણ કે દ્રવિડ હંમેશાં સચિનના પડછાયામાં રમ્યો છે. જોકે ઇમ્પૅક્ટની દૃષ્ટિએ બન્ને સરખા છે.’

gautam gambhir rahul dravid cricket news sports news