સરખામણીથી તેને કે મને કોઈ ફરક પડતો નથી, તે આજનો મહાન બોલર છે અને હું મારા સમયનો

03 September, 2025 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસપ્રીત બુમરાહ સાથે થતી પોતાની સરખામણીના સવાલ પર વસીમ અકરમે કહ્યું...

વસીમ અકરમે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર મોટું નિવેદન આપ્યું છે

પાકિસ્તાન માટે હાઇએસ્ટ ૯૧૬ વિકેટ લેનાર ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર મોટું નિવેદન આપ્યું છે. જસપ્રીત બુમરાહ સાથે તેની સરખામણી થાય છે એ સવાલ પર એક ટીવી-શોમાં ભારતીય બોલરની પ્રશંસા કરીને સરખામણીને અકરમે અવ્યવહારુ ગણાવી હતી. 

અકરમે કહ્યું કે ‘જસપ્રીત બુમરાહ એક મહાન બોલર છે. તેની ઍક્શન અનોખી અને ગતિ પણ સારી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ જે રીતે તેને અને તેની માનસિકતાને મૅનેજ કરે છે એ પ્રશંસનીય છે. ૯૦ના દાયકા અને આજના સમયની તુલના અશક્ય છે. તે જમણા હાથનો અને હું ડાબોડી બોલર છું. આપણે સોશ્યલ મીડિયા પર દલીલ કરતા રહીએ છીએ - બેગાનોં કી શાદી મેં અબ્દુલ્લા દીવાના. ન તો મને કોઈ ફરક પડે છે, ન તો તેને. લોકો સરખામણી કરીને એકબીજા સાથે લડી રહ્યા છે. તે આજના સમયનો એક મહાન બોલર છે અને હું મારા સમયનો હતો. મારે કહેવું જ જોઈએ કે તે ખૂબ જ પ્રભાવશાળી બોલર છે.’

jasprit bumrah wasim akram indian cricket team pakistan cricket news sports news sports