News In Short: વૉર્નરને કૅપ્ટન બનાવવો જોઈએ : ગ્લેન મૅક્ગ્રા

27 November, 2022 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ગ્લેન મૅક્ગ્રાના મતે ઓપનર ડેવિડ વૉર્નરે ૨૦૧૮માં બૉલ સાથે ચેડાં કરવાના પ્રકરણમાં પોતાની સંડોવણીની કિંમત ચૂકવી છે

News In Short: વૉર્નરને કૅપ્ટન બનાવવો જોઈએ : ગ્લેન મૅક્ગ્રા

ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ગ્લેન મૅક્ગ્રાના મતે ઓપનર ડેવિડ વૉર્નરે ૨૦૧૮માં બૉલ સાથે ચેડાં કરવાના પ્રકરણમાં પોતાની સંડોવણીની કિંમત ચૂકવી છે. જો તે કૅપ્ટન્સી કરવા માગતો હોય તો તેને નૅશનલ ટીમનું નેતૃત્વ કરવાની પરવાનગી આપવી જોઈએ. ત્રણ ઑસ્ટ્રેલિયાના તત્કાલીન ક્રિકેટર કૅપ્ટન સ્ટીવ સ્મિથ, વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટ પર ન્યુ લૅન્ડમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝની ત્રીજી ટેસ્ટ દરમ્યાન સૅન્ડપેપર કૌભાંડ બાદ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્રણેય એક વર્ષ સુધી રમી શક્યા નહોતા. જોકે પ્રતિબંધ ઉપરાંત વૉર્નર પર ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા કૅપ્ટન્સી પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે પોતાના પ્રતિબંધની સમીક્ષા કરી હતી.

મુંબઈને હરાવી યુપી હઝારે ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલમાં

અમદાવાદમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની મૅચમાં ઉત્તર પ્રદેશે મુંબઈને આઠ વિકેટથી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બૅટિંગ પિચ પર ફાસ્ટ બોલર શિવમ માવી  (૪૧ રનમાં ૪ વિકેટ) અને કા​ર્તિક ત્યાગાની (૪૩ રનમાં બે વિકેટ) અને સ્પિનર શિવા સિંહની (૪૩ રનમાં બે વિકેટ) વેધક બોલિંગથી મુંબઈને માત્ર ૨૨૦ રનની અંદર જ ઑલઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ વિકેટકીપર ઓપનર આર્યન જુયાલ (૮૨ રન) અને સાથી ઓપનર માધવ કૌશિક (૪૬ રન)ના યોગદાન સાથે ૨૬ બૉલ બાકી રાખીને મૅચ જીતી લીધી હતી. 

આકાશદીપની હૅટ ટ્રિક છતાં હૉકીમાં ભારતનો પરાજય

ઍડીલેડમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી પહેલી હૉકીની મૅચમાં આકાશદીપ ​સિંહની હૅટ-ટ્રિક છતાં ભારત ૫-૪થી હારી ગયું હતું. આકાશદીપ સિંહે ૧૦મી, ૨૭મી અને ૫૯મી મિનિટમાં ત્રણ વખત ગોલ કર્યા હતા. તો કૅપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટીને ગોલમાં પરિવર્તિત કરી હતી. આ ​ટેસ્ટ સિરીઝની બીજી મૅચ આજે રમાશે.

sports news cricket news