આફ્રિદી મોઢું બંધ રાખે અને રમવા પર જ ધ્યાન આપે : વકાર

08 November, 2011 08:40 PM IST  | 

આફ્રિદી મોઢું બંધ રાખે અને રમવા પર જ ધ્યાન આપે : વકાર



આફ્રિદીએ છેલ્લા થોડા મહિના દરમ્યાન વકાર તેમ જ ઇજાઝ બટ વિશે વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે અને આ ઍટ્ટિટ્યુડ છોડતો જ નથી. શુક્રવારે દુબઈમાં શ્રીલંકા સામે શરૂ થતી વન-ડે સિરીઝ માટેની ટીમમાં બોર્ડના નવા મૅનેજમેન્ટની સૂચનાથી આફ્રિદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વકાર મોટા ભાગે સિડનીમાં રહે છે, પરંતુ અત્યારે તે શ્રીલંકા સામેની સિરીઝમાં કૉમેન્ટેટરના રોલમાં છે.

વકારે કયાં તીર છોડ્યાં?

વકાર યુનુસે ગઈ કાલે જીઓ ન્યુઝ ચૅનલને ઇન્ટરવ્યુમાં શાહિદ આફ્રિદી વિશે ઘણી ટીકા કરી હતી:

આફ્રિદી હંમેશાં કોઈને કોઈ વ્યક્તિની ટીકા કરતો જ હોય છે અથવા તેના વિશે અભદ્ર ભાષા વાપરતો હોય છે.

આફ્રિદીએ મોઢું બંધ રાખવું જોઈએ અને માત્ર રમવા પર જ બધુ ધ્યાન આપવું જોઈએ.

મને તો લાગે છે કે આફ્રિદી જરૂર ન હોય તો પણ કોઈને કોઈ વ્યક્તિની ટીકા કરતા રહીને સસ્તી પબ્લિસિટીની તલાશમાં રહે છે. આવું ઘણા મહિનાઓથી બની રહ્યું છે.

ભૂતપૂર્વ બોર્ડઅધ્યક્ષ ઇજાઝ બટ ઘરડા થઈ ગયા છે અને તેમણે ઘરમાં જ બેસી રહેવું જોઈએ એવું આફ્રિદી બોલી ચૂક્યો છે. ભૂતપૂર્વ પ્લેયર અને બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન વિશે આવી ભાષામાં ન બોલાય.

આફ્રિદીને પોતાની આસપાસની દરેક વ્યક્તિથી પ્રૉબ્લેમ રહેતો હોય છે અને તેની ટીકા કરતા રહીને તે દુનિયાને એવું કહેવા માગતો હોય છે કે પોતે એ વ્યક્તિના ઍટ્ટિટ્યુડનો શિકાર થયો છે.

આફ્રિદી જવાબમાં શું બોલ્યો?

શાહિદ આફ્રિદીએ ગઈ કાલે જીઓ ન્યુઝ ચૅનલને મગજ ખૂબ ઠંડું રાખીને પ્રત્યાઘાત આપ્યો હતો:

વકાર યુનુસની કૉમેન્ટ્સ વિશે મારે કંઈ જ નથી કહેવું. મને પાકિસ્તાન વતી રમવાનો ફરી મોકો મળ્યો છે અને એના વિશે જ વિચારું છું.