મારી દીકરી મને ક્રિકેટર તરીકે ઓળખે, નહીં કે આતંકવાદી : શ્રીસાંત

26 July, 2015 05:03 AM IST  | 

મારી દીકરી મને ક્રિકેટર તરીકે ઓળખે, નહીં કે આતંકવાદી : શ્રીસાંત




દિલ્હી કોર્ટ દ્વારા દોષમુક્ત જાહેર કરવામાં આવેલા એસ. શ્રીસાન્તે કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે મારી દીકરી મને એક ક્રિકેટર તરીકે ઓળખે, નહીં કે આતંકવાદી તરીકે. અત્યારે તે ત્રણ મહિનાની છે. મોટી થઈને ગૂગલમાં મારું નામ શોધશે તો હું ઇચ્છું કે તે મને ક્રિકેટર તરીકે ઓળખે, નહીં કે આંતકવાદી તરીકે. મારો ફોટોગ્રાફ જ્યારે દાઉદ ઇબ્રાહિમ સાથે આવ્યો ત્યારે મને ઘણો આઘાત લાગ્યો હતો. એવું તે મેં શું કર્યું હતું કે મારી સાથે આમ થયું.’

શ્રીસાન્ત પર ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો, જે તમામ આરોપમાંથી ગઈ કાલે તેને દોષમુક્ત કરવામાં આવ્યો હતો. ગઈ કાલે તેણે કહ્યું હતું કે ‘મારા પિતાને બે વખત હાર્ટ-અટૅક આવ્યો. મને તિહાડ જેલમાં મોકલવાને કારણે તેમના પર આવી પડેલા દુખને કારણે જ આમ થયું હતું.’

ક્રિકેટ બોર્ડે તેના પરનો પ્રતિબંધ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે શ્રીસાન્તને અત્યારે બોર્ડ સામે પણ કંઈ ફરિયાદ નથી. તેણે કહ્યું હતું કે ‘ક્રિકેટ બોર્ડને કારણે જ આજે હું તમામ સિદ્ધિ મેળવી શક્યો છું. મને એવી આશા છે કે તેમને પણ સત્ય સમજાશે. મને માત્ર ક્લબ ક્રિકેટ રમવાની મંજૂરી આપે તો પણ ઘણું. ટ્વિટર હૅન્ડલ પર ફૉલો કરનાર સચિન તેન્ડુલકર અને સંપર્કમાં રહેનાર વીરેન્દર સેહવાગનો પણ તેણે આભાર માન્યો હતો.

આરોપમુક્ત થાય ત્યારે ફરીથી ક્રિકેટ રમજે એવું આશ્વાસન આપનાર કેરળ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ ટી. સી. મૅથ્યુઝનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મારું ઘર કોચીના નૅશનલ સ્ટેડિયમની પાછળ છે. એમ છતાં હું એનો ઉપયોગ નહોતો કરી શકતો. અન્ડર-૧૪ ટીનેજર પણ ત્યાં જઈ શકતો હતો, પરંતુ મને પરવાનગી નહોતી. એથી મારાં આંસુઓને રોકી નહોતો શકતો.’