અમે બધા ઇચ્છતા હતા કુંબલે કોચ તરીકે યથાવત રહે: લક્ષ્મણ

14 February, 2019 02:09 PM IST  | 

અમે બધા ઇચ્છતા હતા કુંબલે કોચ તરીકે યથાવત રહે: લક્ષ્મણ

ત્રણ દિગ્ગજો : ગુરુવારે વીવીએસ લક્ષ્મણની આત્મકથાના વિમોચન પ્રસંગે રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે

ભારતીય ક્રિકેટ બોર્ડના સલાહકાર સમિતિના સભ્ય અને ભૂતપૂર્વ બૅટ્સમૅન વીવીએસ લક્ષ્મણે ગઈ કાલે કહ્યું હતું કે ‘તેમની સમિતિ ઇચ્છતી હતી કે અનિલ કુંબલે ભારતના કોચ તરીકે યથાવત રહે, પરંતુ કૅપ્ટન વિરાટ કોહલી સાથેના મતભેદ બાદ તે આ પદ પર રહેવા માગતો નહોતો.’

ગયા વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાનના ઘટનાક્રમને યાદ કરતાં લક્ષ્મણે કહ્યું હતું કે એ પ્રકરણે બધી મજા ખરાબ કરી નાખી હતી. લક્ષ્મણે એક ચૅનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે કોહલીએ કોઈ લક્ષ્મણરેખા ઓળંગી હોય. ક્રિકેટ સલાહકાર સમિતિને એવું લાગતું હતું કે કુંબલેએ પદ પર બની રહેવું જોઈએ, પરંતુ તેને લાગ્યું કે પદ છોડવું જ યોગ્ય નિર્ણય હશે.’

ક્રિકેટ સલાહકાર સમિતિમાં લક્ષ્મણ, સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલીનો સમાવેશ થાય છે જેણે ૨૦૧૬માં કુંબલેને કોચ તરીકે પસંદ કર્યો હતો. કુંબલે અને કોહલી વચ્ચેના મતભેદ વિશે બધાને ખબર પડતાં કુંબલેએ આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લક્ષ્મણે કહ્યું હતું કે ‘મને આ ખરાબ લાગ્યું હતું કે ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન કુંબલે ખરાબ કારણોને લીધે ચર્ચામાં હતો. સલાહકાર સમિતિ કુંબલેને જ પદ પર રાખવા માગતી હતી, પરંતુ સમગ્ર પ્રકરણ દુર્ભાગ્યપૂર્ણ હતું. હું હંમેશાં લોકોને કહ્યું છે કે સલાહકાર સમિતિ કોઈ મૅરેજ કાઉન્સેલર નથી. અમારું કામ શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવાનું છે, પરંતુ કોહલી અને કુંબલે મળીને કામ ન કરી શક્યાં.’

vvs laxman rahul dravid anil kumble sports news cricket news team india