હૈદરાબાદી ગર્લે ભારતને બૅડમિન્ટનમાં અપાવ્યો પ્રથમ મેડલ

05 August, 2012 03:23 AM IST  | 

હૈદરાબાદી ગર્લે ભારતને બૅડમિન્ટનમાં અપાવ્યો પ્રથમ મેડલ

લંડન ઑલિમ્પિક્સમાં ગઈ કાલે વર્લ્ડ નંબર ફાઇવ સાઇના નેહવાલે ભારતને બૅડમિન્ટનનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. બ્રૉન્ઝ મેડલ માટેની પ્લે-ઑફમાં ચીનની વર્લ્ડ નંબર ટૂ ઝિન વાન્ગે પ્રથમ ગેમ જીતી લીધા પછી બીજી ગેમની શરૂઆતમાં ઘૂંટણની ઈજાને કારણે રમવાનું છોડી દેતાં બ્રૉન્ઝ સાઇનાને મળી ગયો હતો.

વાન્ગે પ્રથમ ગેમ ૨૧-૧૮થી જીતી લીધી હતી. સાઇના એ ગેમની છેલ્લી પળોમાં સતત ચાર પૉઇન્ટ મેળવી લેતાં બહુ સારા ફૉર્મમાં હતી. તે ૧૮-૨૦થી પાછળ હતી ત્યારે વાન્ગે ઘૂંટણમાં સારવાર કરાવી હતી અને પછી કમબૅક કરીને એક પૉઇન્ટ જીતીને એ ગેમ પર ૨૧-૧૮થી કબજો કરી લીધો હતો. જોકે પછીની ગેમમાં વાન્ગ પ્રથમ પૉઇન્ટ જીતી લીધા બાદ ઘૂંટણનો દુખાવો સહન ન થતાં રમવાનું છોડી દીધું હતું અને સાઇનાને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા ઇન્ડિવિજ્યુઅલ મેડલ જીતી હોય એનો આ બીજો બનાવ છે. ૨૦૦૦ની ઑલિમ્પિક્સમાં કર્નામ મલ્લેશ્વરી વેઇટલિફ્ટિંગનો કાંસ્ય જીતી હતી.

હરિયાણા તરફથી ૧ કરોડ રૂપિયા

હૈદરાબાદમાં રહેતી સાઇનાનો જન્મ ૧૯૯૦માં હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. હરિયાણા સરકારે ગઈ કાલે સાઇના માટે એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. સહારા ઇન્ડિયા પરિવાર તરફથી તેને ઇનામમાં બે કિલો સોનું (૬૦ લાખ રૂપિયા) પણ મળશે.

દેવેન્દ્રો સિંહ ક્વૉર્ટર ફાઇનલમાં

લાઇટ-ફ્લાય વેઇટ ૪૯ કિલો વર્ગની બૉક્સિંગની સ્પર્ધામાં લૈશરામ દેવેન્દ્રો સિંહ મોંગોલિયાના ૨૦૦૮ની ઑલિમ્પિક્સના સિલ્વર-મેડલિસ્ટ સરદુમ્બા પ્યૉરદોર્જ સામે ૧૬-૧૧થી જીતીને ક્વૉર્ટરમાં પહોંચી ગયો હતો.

પુનીઆ પહોંચી ફાઇનલમાં

મહિલાઓની ડિસ્ક થ્રોની હરીફાઈમાં ભારતની ક્રિષ્ના પુનીઆ ગઈ કાલે ફાઇનલ રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ હતી. તેણે ગ્રુપ ‘એ’માં એક કિલોના વજનની ડિસ્ક ૬૩.૫૪ મીટર દૂર ફેંકી હતી.