લક્ષ્મણે જ ધોનીને દાવ ડિક્લેર કરવાનો ઇશારો કર્યો જે ફળ્યો

16 November, 2011 09:29 AM IST  | 

લક્ષ્મણે જ ધોનીને દાવ ડિક્લેર કરવાનો ઇશારો કર્યો જે ફળ્યો



કલકત્તા: બીજી ટેસ્ટમૅચ (નીઓ ક્રિકેટ પર સવારે ૮.૩૦)માં સોમવારના પ્રથમ દિવસે ૧૧૯ રન બનાવનાર રાહુલ દ્રવિડ કૅરિબિયનોને ભારે પડી ગયો ત્યાર પછી ગઈ કાલે એકસાથે બે સેન્ચુરિયનો વીવીએસ લક્ષ્મણ (૧૭૬ નૉટઆઉટ, ૨૮૦ બૉલ, ૧૨ ફોર) અને મહેન્દ્ર સિંહ ધોની (૧૪૪ રન, ૧૭૫ બૉલ, પાંચ સિક્સર, ૧૦ ફોર) તેમના માટે આડખીલી બની ગયા હતા અને હવે સ્થિતિ એ છે કે કૅરિબિયનોએ હારથી બચવું પણ અઘરું થઈ ગયું છે.

ગઈ કાલે ભારતે ૭ વિકેટે ૬૩૧ રને પ્રથમ દાવ ડિક્લેર કર્યો ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝે ૩૪ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

૧૭મી સદી ફટકારનાર લક્ષ્મણ ૧૭૬ રને હતો ત્યારે તેને ત્રીજી ડબલ સેન્ચુરી ફટકારવાનો મોકો હતો, પરંતુ બૅડલાઇટની સમસ્યા વધી રહી હોવાથી તેણે સમયસૂચકતા વાપરીને કૅરિબિયનોને બૅટિંગ આપી દેવા ભારતનો દાવ સમાપ્ત જાહેર કરી દેવાનો કૅપ્ટન ધોનીને ઈશારો કર્યો હતો અને ધોનીએ એ પ્રમાણે કર્યું હતું. કૅરિબિયનોએ રમત બૅડલાઇટને લીધે વહેલી બંધ રહી ત્યાં સુધીમાં ૩૪ રનમાં બન્ને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

કૅરિબિયનોની માત્ર ૪ મેઇડન

ગઈ કાલે ભારતીય બોલરોએ જે ૧૨ ઓવર બોલિંગ કરી એમાંથી ૪ મેઇડન હતી. એ પહેલાં કૅરિબિયન બોલરોની ૧૫૧ ઓવરમાં ફક્ત ૪ ઓવર મેઇડન હતી.

ધોની બે વખત નો બૉલમાં આઉટ હતો

ધોની બે વખત કીમાર રૉચના નો બૉલમાં વિકેટકીપર કાર્લટન બૉને કૅચ આપી બેઠો હતો. જોકે બન્ને બનાવો માહી માટે જીવતદાન નીવડ્યા હતા.

બૅડલાઇટમાં ધોનીના ત્રણ ગોલ

બૅડલાઇટને કારણે રમત વહેલી બંધ થઈ ગઈ ત્યારે ભારતીય પ્લેયરો બે ટીમ પાડીને ફૂટબૉલની મૅચ રમ્યા હતા જેમાં ધોનીએ ત્રણ ગોલ કર્યા હતા.

કૅરિબિયનોનું બચવું મુશ્કેલ

વેસ્ટ ઇન્ડીઝે ગઈ કાલની બીજા દિવસની રમતને અંત સુધીમાં ૩૪ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. તેમણે ફૉલો-ઑનથી બચવા ગઈ કાલે ૩૯૮ રન બનાવવાના બાકી હતા અને તેમની ૮ વિકેટ બાકી હતી. જોકે તેમના પર એક ઇનિંગ્સનો પરાજય તોળાઈ રહ્યો છે અને ભારતને સિરીઝ ૨-૦થી જીતવાનો મોકો છે.