અંતરાત્માનો અવાજ સાંભળી ડૉક્ટરને બદલે ક્રિકેટર બન્યો અને એના જ આદેશથી નિવૃત્તિ લીધી : લક્ષ્મણ

19 August, 2012 05:04 AM IST  | 

અંતરાત્માનો અવાજ સાંભળી ડૉક્ટરને બદલે ક્રિકેટર બન્યો અને એના જ આદેશથી નિવૃત્તિ લીધી : લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણ ગઈ કાલે હૈદરાબાદની પ્રેસ-કૉન્ફરન્સમાં રિટાયરમેન્ટની જાહેરાત વખતે ખૂબ ભાવુક અવસ્થામાં હતો. તેણે મનની ઘણી મથામણ પછી પોતાના માટેનો ટફ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું. જોકે તેણે બીજી ઘણી દિલની વાતો પણ કરી હતી:

હું તાત્કાલિક અમલથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડી રહ્યો છું.

મેં હંમેશાં દેશની સફળતાને અને દેશની જરૂરિયાતને અંગત ઇચ્છાઓ કે આકાંક્ષાઓ કરતાં વધુ માહાત્મ્ય આપ્યું છે.

ઘરઆંગણાની સિરીઝમાં મારે બદલે કોઈ યુવાન પ્લેયરને રમવાનો મોકો મળે એને હું વધુ અગત્યનું સમજું છું અને એ માટે મને આ યોગ્ય સમય લાગ્યો છે.

નાનપણથી મારી ઇચ્છા ડૉક્ટર બનવાની હતી. જોકે મને ક્રિકેટમાં કરીઅર બનાવવાનો ચસકો લાગતો ગયો હતો અને છેવટે મેં અંતરાત્માનો અવાજ સાંભળીને એમાં જુકાવી જ દીધું હતું. હું હંમેશાં દિલના અવાજને અનુસરીને રમ્યો હતો અને હવે મેં રિટાયરમેન્ટનો નિર્ણય પણ એ જ અવાજના કૉલને આધારે લીધો છે. ચાર-પાંચ દિવસ પહેલાં મને મારા માતા-પિતાએ પણ કહ્યું હતું કે તારો આત્મા જે કહે એના આધારે જ નિર્ણય લેશે અને મેં એ પ્રમાણે જ કર્યું.

કેટલાક જાણીતા પ્લેયરોએ એવી કમેન્ટ કરી હતી કે દરેક પ્લેયરને પોતાની કરીઅરનો અંત નજીક આવી ગયો હોવાનો એહસાસ થતો જ હોય છષ. છેલ્લા ચાર દિવસમાં મેં એ એહસાસ અનુભવ્યો હતો એટલે નિવૃત્તિનો નિર્ણય લઈ લીધો.

હજી ગઈ કાલ રાત સુધી હું નિર્ણય નહોતો લઈ શક્યો. જોકે મેં અંતરાત્માના અવાજ પરથી નક્કી કરીને સવારે ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્તને ફોન કરીને કહી દીધું હતું કે હું હવે ભારત વતી વધુ નહીં રમું. મેં કિવીઓ સામેની સિરીઝ શરૂ થયા પહેલાં જ નિવૃત્તિ લઈ લીધી એ બદલ મારા સાથીપ્લેયરોને મારી સાથેની વાતચીત વખતે ખૂબ નવાઈ લાગી હતી.

મેં નિવૃત્તિનો નિર્ણય લેતાં પહેલાં કૅપ્ટન ધોનીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તમે બધા જાણો છો કે તેના સુધી પહોંચવું બહુ મુશ્કેલ કામ છે.

મેં હોમટાઉન હૈદરાબાદની ટેસ્ટમાં રમ્યા  વગર નિવૃત્તિ લઈ લીધી એ બદલ  મારા ફૅમિલીમેમ્બરોને તેમ જ મારા અસંખ્ય શુભેચ્છકોને દુ:ખ થયું હશે, પરંતુ હું તેમને એ મોકો ન આપવા બદલ તેમની માફી માગું છું.

ગાંગુલીનો ગુસ્સો શ્રીકાન્ત અને ધોની પર

ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈ કાલે વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિની જાહેરાત પછી આપેલા આકરા પ્રત્યાઘાતોમાં ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાન્તને વખોડ્યા હતા તેમ જ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે આકરી ટકોર કરી હતી:

લક્ષ્મણે ઓચિંતું રિટાયરમેન્ટ લઈને સિલેક્ટરોને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કોઈ પણ પ્લેયર સાથે તેમણે સંભાળીને વ્યવહાર કરવો જોઈએ.

પોતાનો મત પ્લેયરો સુધી સમયસર અને સચોટપણે પહોંચાડવામાં શ્રીકાન્તનો આ જ એક મોટો પ્રૉબ્લેમ છે. તેમણે (શ્રીકાન્ત અને બીજા સિલેક્ટરોએ) લક્ષ્મણને પોતે મોડાવહેલો ડ્રૉપ કરવાના છે એવો સંકેત અગાઉ જ આપી દેવો જોઈતો હતો. છેક ઑગસ્ટ સુધી નહોતું ખેંચવું જોઈતું. તેમણે પહેલાં જ તેને કહી દીધું હોત તો તેણે આટલા બધા મહિના રાહ ન જોઈ હોત અને માત્ર બે ટેસ્ટ માટેની પ્રૅક્ટિસમાં પણ આટલો બધો સમય ન આપ્યો હોત.

મને લાગે છે કે સિલેક્ટરોની નિર્ણય લેવાની નીતિથી લક્ષ્મણને ખૂબ આઘાત લાગ્યો હશે.

શ્રીકાન્ત ઍન્ડ કંપની ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમ સિલેક્ટ નથી કરતા. તેઓ માત્ર અમુક પ્લેયરોને કાઢીને અને અમુકનો સમાવેશ કરીને ટીમ બૅલેન્સ કરવાનું જ કામ કરે છે. આ રીતે કાંઈ ભારતીય ક્રિકેટની પ્રગતિ ન થાય.

લક્ષ્મણે કહ્યું છે કે તેણે નિવૃત્તિનો નિર્ણય લેતાં ધોનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નહોતો કરી શક્યો. આ વિશે મારે કહેવું છે કે જો ધોનીનો સપોર્ટ મળ્યો હોત તો અત્યારે સ્થિતિ જુદી હોત. કૅપ્ટન તો સાથીઓ માટે ૨૪ કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. માહી શા માટે આવું કરતો હશે એ જ મને નથી સમજાતું.