લક્ષ્મણની પાર્ટીમાંથી ધોનીની બાદબાકી

23 August, 2012 02:31 AM IST  | 

લક્ષ્મણની પાર્ટીમાંથી ધોનીની બાદબાકી

હૈદરાબાદ: વીવીએસ લક્ષ્મણની અણધારી નિવૃત્તિ પાછળ અમુક સિલેક્ટરો ઉપરાંત ટીમનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ જવાબદાર હોવાની ચર્ચાઓ થઈ રહી છે. લક્ષ્મણે પ્રેસ-કૉન્ફરન્સમાં પણ ધોનીનો સંપર્ક ન થઈ શકવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. હવે મંગળવારે રાત્રે લક્ષ્મણે પોતાના ઘરે ટીમના સિનિયર ખેલાડી માટે યોજેલી એક પાર્ટીમાં ધોનીને આમંત્રણ જ ન આપીને આ વિવાદને વધુ વકરાવ્યો હતો.

આમંત્રણ નહોતું મળ્યું : ધોની

લક્ષ્મણે મંગળવારે રાત્રે તેના ઘરે યોજેલી પાર્ટીમાં ટીમના સિનિયર ખેલાડીઓ સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, ઝહીર ખાનને આમંત્રણ આપ્યું હતું, પણ ધોનીનું નામ લિસ્ટમાં સામેલ નહોતું. ગઈ કાલે આજની મૅચ પહેલાંની પ્રેસ-કૉન્ફરન્સમાં જ્યારે ધોનીને લક્ષ્મણની પાર્ટીના આમંત્રણ વિશે પૂછવામાં આવતાં તેણે ન મળ્યું હોવાનો સ્પષ્ટ જવાબ આપ્યો હતો.

લક્ષ્મણની ફરિયાદ સાચી છે

લક્ષ્મણે પ્રેસ-કૉન્ફરન્સમાં ધોનીનો સંપર્ક નહોતો થઈ શક્યો અને તેનો સંપર્ક કરવો ખૂબ જ અઘરો છે એવી ફરિયાદ વિશે ધોનીએ પત્રકારોને કહ્યું હતું કે ‘તમારા માટે આ એક વિવાદ છે, પણ જે લોકો મને ઓળખે છે એ લોકો હંમેશાં ફરિયાદ કરતા હોય છે કે મારો સંપર્ક કરવો અઘરો છે. લક્ષ્મણ પણ મારો સંપર્ક સાધી નહોતો શક્યો, પણ મારા માટે આ નવું નથી. મેં આ બાબતે સુધારો કરવાની ઘણી કોશિશ કરી છે, પણ લાગે છે ખરેખર સુધારો નથી થયો.

લક્ષ્મણને જ પૂછો

પત્રકારોએ જ્યારે લક્ષ્મણની નિવૃત્તિ પાછળ પોતે જવાબદાર છે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં તેણે આ વિશે તમારે લક્ષ્મણને પૂછવાની જરૂર છે એવો જવાબ આપ્યો હતો.

નિવૃત્તિ વેળાની પ્રેસ કૉન્ફરન્સમાં લક્ષ્મણ ધોની વિશે શું બોલ્યો હતો?

લક્ષ્મણે કહ્યું છે કે તેણે નિવૃત્તિનો નિર્ણય લેતાં ધોનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નહોતો કરી શક્યો. આ વિશે મારે કહેવું છે કે જો ધોનીનો સપોર્ટ મળ્યો હોત તો અત્યારે સ્થિતિ જુદી હોત. કૅપ્ટન તો સાથીઓ માટે ૨૪ કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. માહી શા માટે આવું કરતો હશે એ જ મને નથી સમજાતું.