ભારતીય પ્લેયર સાથે સારા સંબંધ હોવાથી IPLમાં એન્ટ્રી નથી મળતી : લક્ષ્મણ

16 April, 2020 09:19 AM IST  |  New Delhi | Agencies

ભારતીય પ્લેયર સાથે સારા સંબંધ હોવાથી IPLમાં એન્ટ્રી નથી મળતી : લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણ

થોડા દિવસ પહેલાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર માઇકલ ક્લાર્કે ટિપ્પણી કરી હતી કે ઑસ્ટ્રેલિયન પ્લેયર વિરાટ કોહલીને ગાળ દેવામાં સંકોચ અનુભવે છે, કેમ કે તેમણે આઇપીએલમાં તેની સાથે રમવાનું હોય છે. આ વાતનું તાજેતરમાં ખંડન કરતાં વીવીએસ લક્ષ્મણે કહ્યું કે ‘કોઈ પણ ભારતીય પ્લેયર સાથે સારા સંબંધ હોય તો એનો અર્થ એ નથી કે તમને આઇપીએલનો કૉન્ટ્રૅક્ટ મળે. એક મેન્ટર તરીકે હું ઑક્શન ટેબલ પર બેઠો છું અને મારે પ્લેયર સિલેક્ટ કરવાના હોય છે. ઇન્ટરનૅશનલ લેવલે જે પ્લેયર પોતાના દેશ માટે સારું રમ્યા હોય છે તેમના ફ્રૅન્ચાઇઝીમાં સિલેક્ટ થવાના ચાન્સ વધારે હોય છે. કોઈ પણ ભારતીય પ્લેયર સાથે તમારી દોસ્તી હોય તો એનો અર્થ એ નથી કે તમને આઇપીએલમાં એન્ટ્રી મળી જશે. કોઈ પણ પ્લેયર સાથે તમારો સંબંધ કેવો છે એ જોવામાં નથી આવતું. માત્ર પ્લેયરની ક્ષમતાના આધારે તેની ટીમમાં જગ્યા આપવામાં આવે છે જેથી કરીને તેમને જિતાડવામાં મદદરૂપ થઈ શકે.’

આઇપીએલ ટી૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે કામ આવશે : લક્ષ્મણ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર વીવીએસ લક્ષ્મણને આશા છે કે આઇપીએલ ટી૨૦ વર્લ્ડ કપની તૈયારીરૂપે કામ કરશે. કોરોના વાઇરસને કારણે આઇપીએલ મોકૂફ રાખવામાં આવી છે અને એ રમાશે કે નહીં એ વિશે પણ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. પોતાનો મત મૂકતાં લક્ષ્મણને કહ્યું કે ‘મોટા ભાગના ક્રિકેટ બોર્ડને ખબર છે કે આઇપીએલ એક મોટી ટુર્નામેન્ટ છે અને દરેક લોકો એને સન્માન પણ આપે છે. ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં આ ટુર્નામેન્ટ થાય તો સારું કેમ કે એ ટી૨૦ વર્લ્ડ કપ માટે તૈયારી કરવાની તક પ્લેયરોને આપે છે. હું માનું છું ત્યાં સુધી બધું વ્યવસ્થિત થઈ જશે અને કોઈએ ડરવાની જરૂર રહેશે નહીં. મને આશા છે કે બધું બરાબર થઈ ગયા બાદ આઇપીએલ જરૂરથી રમાશે.’

vvs laxman cricket news sports news