રોહિત પર વીરુ ખુશ, પણ સાથીઓ પર ખફા

30 November, 2011 07:50 AM IST  | 

રોહિત પર વીરુ ખુશ, પણ સાથીઓ પર ખફા



કટક : વેસ્ટ ઇન્ડીઝ સામેની વાનખેડેની છેલ્લી ટેસ્ટ નાટ્યાત્મક ડ્રૉ થઈ અને ભારત જીતથી વંચિત રહી ગયું એ પછી ત્રીજા જ દિવસે ગઈ કાલે સિરીઝની પ્રથમ વન-ડેમાં પણ ટીમ ઇન્ડિયાએ માંડ માંડ જીત મેળવી હતી. બીજી વન-ડે (બપોરે ૨.૩૦) શુક્રવારે રમાશે.

ગઈ કાલના મૅન ઑફ ધ મૅચ રોહિત શર્મા (૭૨ રન, ૯૯ બૉલ, ૧ સિક્સર, ૩ ફોર) અને રવીન્દ્ર જાડેજા (૩૮ રન, ૬૨ બૉલ, ૩ ફોર) સિવાય બીજો કોઈ પણ બૅટ્સમૅન ૨૦ રનનો આંકડો પાર નહોતો કરી શક્યો. કૅપ્ટન વીરેન્દર સેહવાગે મૅચ પછી પત્રકારોને કહ્યું હતું કે ‘રોહિત સિવાય અમારામાં કોઈ જ સારું ન રમ્યું. ૨૧૨નો નાનો ટાર્ગેટ પણ મુશ્કેલીથી મેળવ્યો. આસાન જીતને અમે થિ્રલરમાં ફેરવી નાખી. ૫૯ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. ભારતની પિચ પર આવું ભાગ્યે જ બનતું હોય છે. હું અમારા બૅટ્સમેનોની આવી ભૂલ ફરી નહીં ચલાવું. તેમણે ભૂલ સુધારવી જ પડશે.’

છેલ્લી બે ઓવરમાં ભારતે ૯ રન બનાવવાના હતા. ૪૯મી ઓવરમાં ઉમેશ યાદવ (૬ નૉટઆઉટ) અને વરુણ ઍરોને (૬ નૉટઆઉટ) એક-એક ફોર ફટકારવા સહિત કુલ ૧૦ રન બનાવીને ભારતને રોમાંચક જીત અપાવી હતી.