વિરાટ કોહલીની ટેસ્ટ સિરીઝમાં ગેરહાજરીથી ચૅનલ-7ને પડશે ફટકો

13 November, 2020 03:59 PM IST  |  New Delhi | IANS

વિરાટ કોહલીની ટેસ્ટ સિરીઝમાં ગેરહાજરીથી ચૅનલ-7ને પડશે ફટકો

વિરાટ કોહલી

આગામી ઑસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મૅચની સિરીઝની ત્રણ ટેસ્ટમાં કૅપ્ટન વિરાટ કોહલી ન રમવાનો હોવાથી આ સિરીઝના પ્રસારણ કરનારી ચૅનલ-7ને મોટો ફટકો લાગવાનો છે અને એની મુખ્ય હરીફ ફૉક્સ સ્પોર્ટ્સને ભારે લાભ થવાનો છે. જાન્યુઆરી મહિનામાં પિતા બનવાનો હોવાને લીધે કૅપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ મૅચ રમ્યા બાદ ભારત આવી જવાનો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ માટે તેને રજાની મંજૂરી પણ આપી દીધી છે.
વન-ડે અને ટી૨૦ સિરીઝનું પ્રસારણ ચૅનલ-7ના મુખ્ય હરીફ ફૉક્સ સ્પોર્ટ્સ કરવાનું છે અને અે સિરીઝમાં વિરાટ રમવાનો હોવાથી તેઓ નિશ્ચિત છે. એ ઉપરાંત પહેલી ડે-નાઇટ ટેસ્ટનું પ્રસારણ પણ બન્ને ચૅનલો પર થવાનું છે. આમ ચૅનલ-7 જે મૅચનું એક્સક્લુઝિવ પ્રસારણ કરવાનું છે અે બીજી, ત્રીજી અને ચોથી ટેસ્ટમાં જ વિરાટ ન રમાવાનો હોવાથી તેઓ ભારે ટેન્શનમાં છે.
ઑસ્ટ્રેલિયન મીડિયા અનુસાર બન્ને ચૅનલોએ વિરાટ કોહલીને કેન્દ્રમાં રાખીને પ્રમોશન ઍક્ટિવિટી કરી હતી, પણ હવે વાસ્તવિકતા સ્વીકારતાં ચૅનલ-7 કોહલીની હાજરીવાળી પ્રમોશનમાં કાપ મૂકશે, જ્યારે ફૉક્સ સ્પોર્ટ્સ ૧૦૦ મિલ્યનથી વધારે લોકોને આકર્ષવાની તજવીજ કરી શકે છે.
વળી એવા સમાચાર પણ પ્રાપ્ત થયા છે કે ચૅનલ-7નો ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સાથે વિવાદ ચાલી રહ્યો છે અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સાથે થયેલા ૪૫૦ મિલ્યન ડૉલરના કરારમાંથી ખસી જવાની ધમકી આપી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયા પ્રવાસના શેડ્યુલમાં ફેરફાર કર્યો હોવાને લીધે ચૅનલ-7એ પોતાની વાર્ષિક ફીમાં કાપ મૂકવાની માગણી કરતાં વિવાદ થયો હતો.

test cricket virat kohli