ટ્વિટર વર્લ્ડમાં કોહલી બન્યો સચિન કરતાં વિરાટ

24 December, 2014 05:40 AM IST  | 

ટ્વિટર વર્લ્ડમાં કોહલી બન્યો સચિન કરતાં વિરાટ




ટીમ ઇન્ડિયાનો વાઇસ કૅપ્ટન વિરાટ કોહલી મેદાનમાં તો એક પછી એક શાનદાર પર્ફોર્મ દ્વારા ક્રિકેટ લેજન્ડ સચિન તેન્ડુલકરના રેકૉર્ડ્સની નજીક પહોંચી રહ્યો છે, પણ મેદાનની બહાર પણ તેની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી રહી છે અને સોશ્યલ નૅટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ચાહકોની સંખ્યામાં વિરાટ સચિનની આગળ નીકળી ગયો છે. સચિનના ૪૮,૬૯,૮૪૯ ચાહકોની સંખ્યા સામે વિરાટના ૪૮,૭૦,૧૯૦ ચાહકો સાથે ટ્વિટર પર ભારતનો નંબર વન રમતવીર બની ગયો છે. ક્રિકેટમાંથી એક વર્ષ પહેલાં સંન્યાસ લઈ લીધો હોવા છતાં સચિનના ચાહકો હજુ પણ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર તેને મોટા પ્રમાણમાં ફૉલો કરી રહ્યા છે.

ત્રીજા નંબરે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૩૩,૨૭,૦૩૩), ચોથા નંબરે વીરેન્દર સેહવાગ (૩૧,૮૦,૦૮૧), પાંચમા નંબરે યુવરાજ સિંહ (૨૭,૨૩,૦૯૦) અને છઠ્ઠા નંબરે સુરેશ રૈના (૨૬,૧૭,૮૨૮) છે.

દેશમાં ક્રિકેટરની લોકપ્રિયતા ટ્વિટર પર સ્પષ્ટ જોવા મળે છે અને દેશના ટૉપ ટેન રમતવીરોની યાદીમાં ૯ ક્રિકેટરો છે. એકમાત્ર અપવાદ ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાનું છે અને તે સાતમા નંબરે છે. સાનિયા બાદ આઠમા નંબરે ઝહીર ખાન (૧૭,૩૨,૬૫૫), નવમા નંબરે ગૌતમ ગંભીર (૧૬,૪૩,૪૨૩) અને દસમા નંબરે રોહિત શર્મા (૧૫,૮૬,૮૪૧) છે.