20 January, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે
ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ સ્ટાર બૅટર વિરાટ કોહલી વિશે રસપ્રદ વાત શૅર કરી છે. અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘લોકો માને છે કે વિરાટ ઘમંડી છે પરંતુ એવું નથી. તે ફક્ત એવા ઝોનમાં જતો રહે છે. મેં જોયું છે કે મૅચના બે દિવસ પહેલાં તે ભાગ્યે જ કોઈની સાથે વાત કરે છે, તેના સાથી ખેલાડીઓ સાથે પણ વાત નથી કરતો.’
અજિંક્ય રહાણેએ વધુમાં કહ્યું હતું કે ‘વિરાટ કોહલી ખરેખર માનસિક રીતે પોતાને તૈયાર કરતો હોય છે અને એ પ્રકારના ઝોનમાં જતો રહેતો હોય છે. તેનો ઍટિટ્યુડ શાનદાર છે અને વર્ક-એથિક અદ્ભુત છે. તમે તેને જ્યારે પણ જુઓ છો ત્યારે તમને કંઈક નવું દેખાય છે. તે હંમેશાં સુધારો કરવા માગે છે અને હંમેશાં ટીમમાં યોગદાન આપવા માગે છે.’
સચિન કરતાં ૪૭ ઇનિંગ્સ પહેલાં ૮૫ સદી પૂરી કરી વિરાટ કોહલીએ
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન અને સદી ફટકારવા મામલે વિરાટ કોહલી સચિન તેન્ડુલકરના રેકૉર્ડથી ૬૧૪૨ રન અને ૧૫ સદી પાછળ છે. વિરાટ કોહલીએ હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૮૫મી સદી પૂરી કરી હતી. સચિન કરતાં ૪૭ ઇનિંગ્સ પહેલાં કોહલીએ ૮૫ સદીની સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ ૮૫ સદી સુધી પહોંચવા માટે ૬૨૬ ઇનિંગ્સનો સમય લીધો હતો, જ્યારે સચિને ૬૭૩ ઇનિંગ્સનો સમય લીધો હતો.