હ્યુઝના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે કોહલી

01 December, 2014 06:36 AM IST  | 

હ્યુઝના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે કોહલી




ટીમ ઇન્ડિયાનો સ્ટૅન્ડ ઇન કૅપ્ટન વિરાટ કોહલી બુધવારે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુઝના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જશે. તેની સાથે ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રી, કોચ ડન્કન ફ્લેચર તથા ટીમ-મૅનેજર અર્શદ અયુબ પણ જોડાશે. ત્રણથી ચાર અન્ય ખેલાડીઓ પણ તેમની સાથે જશે, પરંતુ એ વિશેનો અંતિમ નિર્ણય આજે ટીમ બ્રિસ્બેન પહોંચે ત્યાર બાદ લેવામાં આવશે. અંતિમ સંસ્કાર હ્યુઝના હોમટાઉન મૅક્સવિલમાં ત્રીજી ડિસેમ્બરે થશે.

ગુરુવારે લેફ્ટી બૅટ્સમૅન ફિલિપ હ્યુઝનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મંગળવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક ડોમેસ્ટિક મૅચ દરમ્યાન બાઉન્સર ફેંકાયેલો બૉલ તેના માથામાં વાગ્યો હતો. આ બનાવને કારણે સમગ્ર ઑસ્ટ્રેલિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિણામે ભારત અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ઇન્વિટેશનલ ઇલેવન વચ્ચે શુક્રવારે રમાનારી બે દિવસીય પ્રૅક્ટિસ મૅચ રદ કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે ઍડીલેડમાં ટેસ્ટ-સિરીઝની તૈયારીરૂપે પ્રૅક્ટિસ કરી હતી. ભારતીય ક્રિકેટ ર્બોડે દાખવેલા સંયમની ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ર્બોડે પ્રશંસા કરી છે.

આ સમયે અંતિમ સંસ્કારની વિધિમાં ભાગ લઈ ટીમ ઇન્ડિયા આ દુખદ ઘટના સંદર્ભે પોતાની સંવેદના પ્રગટ કરશે. શુક્રવારે ટીમ ઇન્ડિયાએ બંધબારણે હાથમાં કાળી પટ્ટી બાંધીને પ્રૅક્ટિસ કરી હતી.

પહેલી ટેસ્ટ-મૅચ ઍડીલેડમાં રમાશે

ટીમ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટેસ્ટ-મૅચ બ્રિસ્બેનને બદલે હવે ફિલિપ હ્યુઝના શહેર ઍડીલેડમાં રમાશે અને એનાથી બન્ને ટીમના ખેલાડીઓને તેના મૃત્યુના આઘાતમાંથી બહાર આવવા માટે વધુ સમય મળી શકશે. ૧૨થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન ઍડીલેડમાં રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચ બનશે. ૪ ડિસેમ્બરે બ્રિસ્બેનમાં જે રમાવાની હતી એ ટેસ્ટ હવે ઍડીલેડમાં રમાવાની છે એ ટેસ્ટ અને ૨૬થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન રમાનારી બૉક્સિંગ ડે ટેસ્ટ વચ્ચેના દિવસો દરમ્યાન રમાઈ શકે છે. વળી આ મૅચ ૩થી ૭ જાન્યુઆરી દરમ્યાન રમાનારી સિડની ટેસ્ટ બાદ પણ યોજાઈ શકે છે, કારણ કે ત્રિકોણીય વન-ડે સ્પર્ધા ૧૬ જાન્યુઆરીથી શરૂ થવાની છે.