કિવીઓ સામેના મૅચવિનરને દિલ્હીના ફંક્શનમાં કડવો અનુભવ

06 September, 2012 05:46 AM IST  | 

કિવીઓ સામેના મૅચવિનરને દિલ્હીના ફંક્શનમાં કડવો અનુભવ

નવી દિલ્હી: ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમૅચના સુપરસ્ટાર વિરાટ કોહલીને ગઈ કાલે દિલ્હીના કીર્તિ નગર વિસ્તારની એક સ્કૂલમાં ચીફ ગેસ્ટ તરીકે પોતાના બાળપણના કોચ રાજકુમાર શર્માની ક્રિકેટ ઍકૅડેમીનું ઉદ્ઘાટન કરવા આવ્યો ત્યારે તે કફોડી હાલતમાં આવી ગયો હતો.

સમારંભમાં અસંખ્ય લોકો બાળકો સાથે આવી ગયા હતા અને બધે ગેરવ્યવસ્થા જોવા મળી હતી. સ્ટેજ પર વિરાટને જ્યારે પ્રવચન માટે આમંત્રિત કરવામાં આવ્યો અને તે ઊઠીને માઇક પાસે પહોંચ્યો ત્યારે અનેક લોકો બાળકો સાથે સ્ટેજ પર ચડી આવ્યા હતા અને વિરાટને ઑટોગ્રાફ આપવાની વિનંતી કરી હતી. જોકે સિક્યૉરિટી ગાર્ડ્સે બધાને નીચે મોકલી આપ્યા હતા.

થોડી વાર પછી સ્કૂલના મેદાનમાં વિરાટ ઍકૅડેમીના ઉદ્ઘાટન માટે રિબન કાપવા ગયો ત્યારે ૧૦૦૦ જેટલા લોકો તેને ઘેરી વળ્યાં હતા અને વિરાટની નજીક પહોંચવા ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. વિરાટને આ ધમાચકડીમાં ઈજા થતા રહી ગઈ હતી. તે રિબન કાપીને તરત નજીકમાં ઊભી રાખેલી પોતાની કારમાં બેસી ગયો હતો.