વિરાટને આપી ક્લીન ચિટ

03 July, 2017 04:06 AM IST  | 

વિરાટને આપી ક્લીન ચિટ



ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને કોચ અનિલ કુંબલે સાથેના મતભેદ વિશે ટીમ-મૅનેજર કપિલ મલ્હોત્રાના રિપોર્ટમાં ક્લીન ચિટ આપવામાં આવી છે. ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ લેગ સ્પિનર કુંબલેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ભારત ઘરઆંગણે કે વિદેશમાં કોઈ પણ સિરીઝ રમે ત્યારે મૅનેજરનો રિપોર્ટ જરૂરી છે. સામાન્ય રીતે આ રિપોર્ટને માત્ર ઔપચારિકતા જ માનવામાં આવે છે. કુંબલેના રાજીનામા બાદ ક્રિકેટ બોર્ડે કપિલ મલ્હોત્રાને એવી સૂચના આપી હતી કે ઇંગ્લૅન્ડમાં કોહલી અને કુંબલેના મતભેદની ઘટના પર રિપોર્ટ આપે.

જોકે મલ્હોત્રાના રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ ઘટનાનો ઉલ્લેખ નથી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે કૅપ્ટન વિરાટ કોહલીએ કોચ સાથે કોઈ પ્રકારનું ખરાબ વર્તન કર્યું હોવાની ઘટનાની વાત કરવામાં નથી આવી જેને શિસ્તનું ઉલ્લંઘન ગણવામાં આવે. કૅપ્ટન અને કોચ વચ્ચે પ્રૅક્ટિસ-મૅચ દરમ્યાન એકબીજા સાથે વાત ન કરતા હોય એવી ઘટનાનો ઉલ્લેખ કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. જોકે રિપોર્ટમાં એવી કોઈ ઘટનાનો ઉલ્લેખ નહોતો. ભારતીય ક્રિકેટ બોર્ડે અનિલ પટેલ પાસે પણ રિપોર્ટ માગ્યો હતો જેઓ ગઈ સીઝનમાં ઘરઆંગણે રમાયેલી ૧૩ ટેસ્ટ દરમ્યાન મૅનેજર હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડ હવે ફુલટાઇમ મૅનેજરની નિમણૂક કરશે. દરમ્યાન ક્રિકેટ બોર્ડે કોચ માટે ૧૦ જુલાઈએ મુંબઈમાં કોચના ઇન્ટરવ્યુની તૈયારીઓ કરી લીધી છે.