રાજિન્દર ગોયલને શ્રદ્ધાંજલિ આપી કોહલી અને તેન્ડુલકરે

23 June, 2020 02:35 PM IST  |  New Delhi | Agencies

રાજિન્દર ગોયલને શ્રદ્ધાંજલિ આપી કોહલી અને તેન્ડુલકરે

રાજિન્દર ગોયલ

ભારતના ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનર રાજિન્દર ગોયલને સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. રવિવારે ૭૭ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતુ. ૨૭ વર્ષની ક્રિકેટ-કરીઅરમાં રાજિન્દર ગોયલે ૧૮.૫૮ની ઍવરેજે ટોટલ ૭૫૦ ફર્સ્ટ-ક્લાસ વિકેટ લીધી હતી. તેઓ ૪૪ વર્ષ સુધી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યા હતા. તેઓ પટિયાલા, દિલ્હી, સાઉથ પંજાબ અને હરિયાણામાંથી રમ્યા હતા, પણ ઇન્ડિયા માટે ક્યારેય નહોતા રમ્યા. જોકે ૧૯૬૪-૬૫માં અમદાવાદમાં રમાયેલી અનઑફિશ્યલ ટેસ્ટમાં સિલોન સામે રમ્યા હતા. બિશન સિંહ બેદી અને તેમની બોલિંગ-સ્ટાઇલ એકસરખી હોવાથી તેમને તક નહોતી મળી. આ વિશે કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘રાજિન્દર ગોયલજીના સ્વરૂપમાં આપણે એક લેજન્ડ ખોયા છે. રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં તેમનું નામ છે અને એ જ તેમની કરીઅર કેટલી અદ્ભુત હતી એ આપણને દેખાડે છે. તેમના ફ્રેન્ડ્સ અને ફૅમિલીને મારી સાંત્વના.’

સચિન તેન્ડુલકરે ટ્વીટ કર્યું હતું કે ‘રાજિન્દર ગોયલજીના સમાચાર સાંભળીને દુઃખ થયું છે. તેઓ ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટના ખૂબ જ અદ્ભુત પ્લેયર હતા. તેમણે રણજી ટ્રોફીમાં ૬૦૦થી વધુ વિકેટ લીધી હતી. તેમના આત્માને શાંતિ મળે. તેમના પરિવારજનોના દુઃખમાં હું સહભાગી છું.’

cricket news sports news virat kohli sachin tendulkar