20 January, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ધૂમ મચાવનાર રોહિત શર્માનું બૅટ ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં શાંત રહ્યું હતું. ૩ મૅચમાં તેણે ૯ ફોર અને બે સિક્સના આધારે માત્ર ૬૧ રન ફટકાર્યા હતા. ૭૬.૨૫ના
સ્ટ્રાઇક-રેટ અને ૨૦.૩૩ની ઍવરેજથી બૅટિંગ કરીને તેણે આ સિરીઝમાં માત્ર ૨૬ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો.
ઘરઆંગણે કોઈ પણ વન-ડે સિરીઝ અથવા ટુર્નામેન્ટમાં રોહિત શર્માએ પોતાની સૌથી નીચી ૨૦.૩૩ની બૅટિંગ-ઍવરેજ નોંધાવી હતી. કૉમેન્ટરી દરમ્યાન ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘રોહિત શર્મા જ્યારે રમે છે ત્યારે કંઈક હાંસલ કરવાના ધ્યેય સાથે રમે છે. પછી ભલે એ T20 વર્લ્ડ કપ હોય કે ૫૦-૫૦ ઓવરનો વર્લ્ડ કપ હોય. હાલના પ્રદર્શનને જોતાં હું ફક્ત વિચારી રહ્યો છું કે સાઉથ આફ્રિકામાં ૨૦૨૭નો વર્લ્ડ કપ શું તેનાથી ખૂબ દૂર છે? શું તેનામાં વર્લ્ડ કપ માટે ખરેખર એ ભૂખ છે?’
વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં ભારત માટે માત્ર વન-ડે ફૉર્મેટમાં રમી રહ્યા છે. ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ બાદ તેઓ હવે ભારત માટે જૂન ૨૦૨૬માં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામેની ૩ વન-ડેની સિરીઝમાં રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ જુલાઈ ૨૦૨૬માં ઇંગ્લૅન્ડમાં અંગ્રેજ ટીમ સામે ૩ વન-ડે મૅચની સિરીઝ રમવા જશે.