અજીબ યોગ : કોહલી- મૅથ્યુઝ બન્ને કૅપ્ટનોના નૉટઆઉટ ૧૩૯ રન

17 November, 2014 03:51 AM IST  | 

અજીબ યોગ : કોહલી- મૅથ્યુઝ બન્ને કૅપ્ટનોના નૉટઆઉટ ૧૩૯ રન





શ્રીલંકાએ કરેલા ૨૮૬ રનના સ્કોરને આંબવા વિરાટ કોહલીએ મહત્વનો ફાળો આપ્યો હતો અને સાથોસાથ સિરીઝમાં પહેલી અણનમ સદી પણ ફટકારી હતી. આ સિરીઝમાં પાંચ ભારતીય બૅટ્સમેનોએ સદી ફટકારી હતી, પરંતુ કૅપ્ટન કોહલીની સદી યાદગાર રહી હતી. કોહલી આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયા થોડી મુશ્કેલીમાં મુકાયેલી હતી. વળી અણીના સમયે મિડલ ઑર્ડર બૅટ્સમેનો આઉટ થઈ ગયા હોવા છતાં અક્ષર પટેલે આપેલા સાથની મદદ વડે શ્રીલંકાના બોલરો પર કાબૂ મેળવીને વિરાટે મૅચ ત્રણ વિકેટે જીતી બતાવી હતી. આ મૅચમાં છેલ્લી ઓવરમાં ફટકાબાજી કરી બતાવનાર કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નહોતો છતાં તેની ગેરહાજરીમાં ધોનીના ટ્રેડમાર્ક સમો હેલિકૉપ્ટર-શૉટ પણ તેણે ફટકાર્યો હતો. વિરાટે ૧૨૬ બૉલમાં ૧૩૯ રન કર્યા હતા અને સિક્સર ફટકારી વિજય મેળવીને રાંચીના દર્શકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

શ્રીલંકાના કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે પણ શાનદાર નૉટઆઉટ ૧૩૯ રન કર્યા હતા. સ્પિનર અંજથા મેન્ડિસે ચાર વિકેટ લીધી હતી છતાં લંકનો મૅચ નહોતા જીતી શક્યા. કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝની આગેવાનીમાં આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડ સામે શ્રીલંકા ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું અને એ જ મૅથ્યુઝે શ્રીલંકાનો સૌથી ખરાબ વન-ડે વાઇટવૉશ પણ જોયો. જોકે કૅપ્ટન એટલું ચોક્કસ કહી શકશે કે મેં સદી ફટકારવા ઉપરાંત બે વિકેટ લીધી હતી અને એક કૅચ પણ પકડ્યો હતો છતાં મારી ટીમ મને સારો સાથ નહોતી આપી શકી. રાંચીની વન-ડેમાં ઑલરાઉન્ડ દેખાવ કરવા બદલ મૅન ઑફ ધ મૅચ ઍન્જેલો મૅથ્યુઝને અને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ વિરાટ કોહલીને આપવામાં આવ્યો હતો.

ચમકારા

૧૦૦ જીત ભારતે અત્યાર સુધી શ્રીલંકા સામે મેળવી છે જેમાં ૮૩ વન-ડે, ૧૪ ટેસ્ટ તથા ૩ વ્૨૦નો સમાવેશ છે. શ્રીલંકા એવી પહેલી ટીમ છે જેની સામે ભારતે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આવી સિદ્ધિ મેળવી હોય.

પાંચ વખત ટીમ ઇન્ડિયાએ વન-ડેમાં વાઇટવૉશ કર્યો છે જેમાં ઇંગ્લૅન્ડનો બે વખત અને ન્યુ ઝીલૅન્ડ, ઝિમ્બાબ્વે તથા શ્રીંલકાનો એક-એક વખત કર્યો છે. વિરાટ કોહલી તથા ધોનીની કૅપ્ટન્સી હેઠળ બે-બે વખત વાઇટવૉશ કરવામાં આવ્યો છે.

૧ વખત ઍન્જેલો મૅથ્યુઝે સદી ફટકારી હતી. એ અગાઉ તેણે ૨૪ ફિફ્ટી ફટકારી છે. અગાઉ રસેલ આર્નોલ્ડે ૨૮ ફિફ્ટી ફટકારી હતી.

૧૩૯ રન મૅથ્યુઝે કર્યા હતા. કોઈ કૅપ્ટને ભારત સામે કર્યા હોય એવો આ ત્રીજો સૌથી મોટો સ્કોર હતો. બીજો સૌથી મોટા સ્કોરમાં સનથ જયસૂર્યાએ શારજાહમાં ભારત સામે ૧૮૯ રન કર્યા હતા.

૧૦૬૨ રન ૨૦૧૪માં મૅથ્યુઝે કર્યા છે જે કોઈ પણ બૅટ્સમૅન કરતાં વધુ છે. ત્યાર બાદ ૧૦૫૪ રન વિરાટ કોહલીના છે. બન્નેના આ વર્ષના સૌથી વધુ સ્કોર છે. વળી બન્નેએ એક જ મૅચમાં એકસરખા ૧૩૯ રન કર્યા છે.

૫૦૮ રને મૅથ્યુઝે ૨૦૧૪માં બાઉન્ડરી મારીને ફટકાર્યા છે. આ વર્ષે ૯૭ ચોગ્ગા તથા ૨૦ છગ્ગાની મદદથી તેણે ૫૦૦ કરતાં વધુ રન કર્યા છે. ત્યાર બાદ વિરાટે ૯૪ ચોગ્ગા તથા ૨૦ છગ્ગાની મદદથી ૪૯૬ રન કર્યા છે.