સ્ર્વગસ્થ વિજય મર્ચન્ટ અને ફાસ્ટ બોલર અમરસિંહની દોસ્તીની અનોખી દાસ્તાન

14 April, 2017 09:02 AM IST  | 

સ્ર્વગસ્થ વિજય મર્ચન્ટ અને ફાસ્ટ બોલર અમરસિંહની દોસ્તીની અનોખી દાસ્તાન


બિપિન દાણી


ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અને ક્રિકેટ આલોચક સ્ર્વગસ્થ વિજય મર્ચન્ટના પુત્રનું તાજેતરમાં અવસાન થયાના સમાચાર માજી ખેલાડી માધવ આપ્ટેએ આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિજય મર્ચન્ટનો અમર નામનો આ પુત્ર સ્વભાવે ખૂબ જ શાંત અને ભાગ્યે જ લોકો જોડે ઝાઝો હળતોમળતો.

વિજય મર્ચન્ટે આ નામ તેના જિગરી મિત્ર અને ભારત વતી સાત ટેસ્ટ રમી ચૂકેલા ફાસ્ટ બોલર અમરસિંહના નામ પરથી નક્કી કર્યું હતું. વિજય મર્ચન્ટ અને અમરસિંહ વચ્ચે ગાઢ મિત્રતા હોવાને કારણે અમરસિંહ જ્યારે જ્યારે સૌરાષ્ટ્રથી મુંબઈ આવતા ત્યારે વિજય મર્ચન્ટના ઘરે જ ઊતરતા. અમરસિંહ પોતાની ફાસ્ટ બોલિંગમાં વિજય મર્ચન્ટને બૅટિંગમાં પ્રૅક્ટિસ મળી રહે એટલે તેઓ કમ્પાઉન્ડમાં જ ક્રિકેટ રમતા.

જોકે અમર સિંહ બહુ જ યુવાનીમાં (ત્રીસ ર્વષે જ) મરણ પામ્યા હતા.

અમરસિંહ વિશે ઝાઝી વાતો ક્યાંયથી પણ મળવી મુશ્કેલ છે. કદાચ ક્રિકેટના અંકશાસ્ત્રી આણંદજી ડોસા આ વિશે વધુ પ્રકાશ પાડી શક્યા હોત, પણ તેઓ પણ આ દુનિયામાં હવે નથી.

વિજય મર્ચન્ટની પુત્રી અદિતિનો સંપર્ક સાધતાં તેણે જણાવ્યું હતું કે ‘મારા પિતાની અમરસિંહ જોડેની ગાઢ દોસ્તી વિશે મેં મારા પિતા પાસેથી જાણ્યું હતું. જોકે એને ઘણાં ર્વષો થઈ ગયાં અને હું એ વેળા જન્મી પણ નહોતી. તેઓ બન્નેએ નક્કી કર્યું હતું કે વિજય મર્ચન્ટને પુત્ર થાય તો તેનું નામ અમર પાડવું અને અમરે તેના પુત્રનું નામ વિજય રાખવું. મારા પિતાએ તો આપેલું વચન પાળ્યું હતું. અમર સિંહને પુત્ર હતો કે નહીં અને હોય તો તેનું નામ વિજય હતું કે નહીં એ હું નથી જાણતી. મારા ભાઈનું ૫૮ ર્વષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું.’