મુરલી વિજયે ઈરાની કપનો બાવીસ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

24 September, 2012 05:36 AM IST  | 

મુરલી વિજયે ઈરાની કપનો બાવીસ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો



બૅન્ગલોર: રેસ્ટ ઑફ ઇન્ડિયાએ સતત સાતમા વર્ષે રણજી ચૅમ્પિયન ટીમને ઈરાની કપની ટ્રોફીથી વંચિત રાખવાનો તખ્તો ગોઠવી લીધો હતો. પાંચ દિવસની મૅચમાં ગઈ કાલના ત્રીજા દિવસની બીજી હાઇલાઇટ એ હતી કે રેસ્ટ ઑફ ઇન્ડિયાના ઓપનર મુરલી વિજયે ગઈ કાલે રેકૉર્ડબ્રેક ડબલ સેન્ચુરી ફટકારી હતી.

રાજસ્થાનના ૨૫૩ રનના જવાબમાં ગઈ કાલે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૭ વિકેટે ૬૦૭ રને દાવ ડિક્લેર કરીને ૩૫૪ રનની લીડ લીધી હતી. બીજા દાવમાં રાજસ્થાનના ૧ વિકેટે ૪૩ રન હતા.

રેસ્ટ ઑફ ઇન્ડિયાના ૬૦૭ રનમાં મુરલી વિજય (૨૬૬ રન, ૩૯૪ બૉલ, ૬ સિક્સર, ૩૬ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેના આ ૨૬૬ રન રાજસ્થાનની આખી ટીમના ૨૫૩ રન કરતાં વધુ હતા.

મુરલીના ૨૬૬ રન હવે ઈરાની કપમાં હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર છે. તેણે પ્રવીણ આમરેના બાવીસ વર્ષ પહેલાંના ૨૪૬ રનના રેકૉર્ડને તોડ્યો છે. ગઈ કાલે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ બનાવેલા ૬૦૭ રનમાં અજિંક્ય રહાણેના ૮૧ રન, કૅપ્ટન ચેતેશ્વર પુજારાના ૭૮ રન, દિનેશ કાર્તિકના ૫૬ રન, સુબ્રમણ્યમ બદરીનાથના પંચાવન રનનો સમાવેશ હતો.