07 October, 2025 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
પુણેના ગહુંજે સ્થિત એમસીએ સ્ટેડિયમ ખાતે ત્રણ દિવસીય રણજી ટ્રૉફીની વોર્મ-અપ મૅચ દરમિયાન મહારાષ્ટ્રના બૅટર પૃથ્વી શૉ અને મુંબઈના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને દલીલ થઈ હોવાની ઘટના બની હતી. મુંબઈની ટીમ છોડ્યા બાદ, મહારાષ્ટ્રની ટીમ તરફથી રમી રહેલા જમણા હાથના બૅટરની વિકેટ જતાં વિરોધી ખેલાડીઓ સાથે તે શાબ્દિક યુદ્ધમાં સામેલ થઈ ગયો હતો.
શું બની ઘટના?
મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેની વોર્મ-અપ મૅચમાં પૃથ્વી શૉ આઉટ થયા બાદ આ વિવાદ શરૂ થયો હતો, જોકે આ મામલો કયા કારણસર શરૂ થયો તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પણ તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ‘પૃથ્વી શૉની વિકેટ લીધા પછી મુંબઈના ખેલાડીઓ અને તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી!’ એવા ટાઇટલ સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદમાં અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી અને મામલો વધુ વકરતો અટકાવ્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. યુવા ખેલાડીએ આગામી ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ માટે વોર્મ-અપ મૅચ રમી હતી, જેમાં તે ઇનિંગની 50મી ઓવરમાં શમ્સ મુલાની દ્વારા આઉટ થયો હતો અને તે પહેલા તેણે 140 બૉલમાં 186 રન બનાવ્યા હતા. શૉએ અર્શીન કુલકર્ણી સાથે મળીને પહેલી વિકેટ માટે 305 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી છે.
નીચે જુઓ વાયરલ વીડિયો:
25 વર્ષીય ખેલાડીએ 2025-26 સ્થાનિક સિઝન પહેલા ટીમ બદલી હતી કારણ કે મુંબઈએ તેને તેના માટે NOC આપ્યું હતું. ૫૮ ફર્સ્ટ ક્લાસ મૅચોમાં, જમણા હાથના આ બૅટરે ૪૬.૦૨ ની સરેરાશથી ૪૫૫૬ રન બનાવ્યા છે અને ૧૩ સદી પણ ફટકારી છે. શૉનો ફર્સ્ટ ક્લાસમાં બેસ્ટ સ્કોર ૩૭૯ છે.
પૃથ્વી શૉ છેલ્લે જુલાઈ ૨૦૨૧ માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો
મહારાષ્ટ્રમાં જન્મેલા આ ક્રિકેટરે પોતાની કારકિર્દીની શરૂઆત આશાસ્પદ રીતે કરી હતી, ૨૦૧૮ માં ટૅસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી, રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૫૪ બૉલમાં ૧૩૪ રન બનાવ્યા હતા. જોકે, બાકીની ટીમોએ ધીમે ધીમે નવા બૉલ સામે શૉની નબળાઈ ઓળખી તેને છતી કરવાનું શરૂ કર્યું અને ક્રિકેટરનો સંઘર્ષ વધતો ગયો. આ યુવાન ખેલાડીએ ફિટનેસના અભાવે તેની કારકિર્દીને બાજુ પર મૂકી દીધી હતી, જેથી તેણે જુલાઈ ૨૦૨૧ થી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું નથી.
શૉ IPL ફ્રેન્ચાઇઝીઓની તરફેણમાંથી પણ બહાર થઈ ગયો છે, તે છેલ્લે ૨૦૨૪ માં હાઇ-પ્રોફાઇલ ટુર્નામેન્ટમાં રમ્યો હતો. જમણા હાથના આ બૅટરને આશા છે કે મોસમ તેના પક્ષમાં આવશે. ૨૦૨૫-૨૬ રણજી ટ્રૉફી સીઝન ૧૫ ઑક્ટોબરથી શરૂ થવાની છે.